આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૨૯
મોરબી પરિષદમાં ગાંધીજી

ગાંધીજીની સ્થિતિ જેમ આગલી પરિષદોમાં, જેમ મહાસભામાં, જેમ બીજે સ્થળે, વિષમ થાય છે તેમ અહીં પણ થયું. કાંઈ પણ પગલું લેવાનો ભાર એમના ઉપર આવે છે, તેનું પાપપુણ્ય તેમના ઉપર પડે છે, અને તેમના વિના ન ચલાવવાની મનોદશા અણધારી રીતે પોષાય છે. ગાંધીજીએ પોતાના ભાષણમાં આ સ્થિતિ વિષે પોતાનું દુઃખ ઠાલવ્યું.

“મારા વિના તમે પરિષદ ન ભરી શકો તે મારે માટે નીચું જોવા જેવું છે. રાજાઓને માટે એ ઇચ્છા એ નીચું જોવા જેવી નહિ પણ અવિશ્વાસસૂચક છે, અને સંચાલકોને માટે એ દશા શરમભરેલી છે. કાઠિયાવાડના વતની તરીકે અનાયાસે હું આવું એ સમજી શકાય, પણ મારું આવવું અનિવાર્ય ગણાય અને તમે મારી અનુકૂળતાને અનુસરીને પરિષદનો વખત નક્કી કરો, એ મારે માટે શરમાવા જેવું છે. આ શરતને હવે ઉડાવી દેવી જોઈએ. જો મારી હાજરી વિના ન ચલાવી લેવાય તો બહેતર છે કે પરિષદ ન ભરવી, આ તો હું સ્વતંત્ર રીતે કહી રહ્યો છું, પણ એ વિચાર ધરાવનારા યુવાનો અહીં હાજર નથી એ દુઃખદ વસ્તુ છે. મેં તો તેમને કહ્યું કે તમે નિંદા કરનારો ઠરાવ લાવશો તો હું તમને અનુમેાદન આપીશ. દેવચંદભાઈને પણ આ વ્યસનમાંથી