આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
મોરબી પરિષદમાં ગાંધીજી

ગવર્નરે મોટી મોટી ધમકીઓ આપી, પણ આખરે વલ્લભભાઈનો કક્કો ખરો ઠર્યો. વલ્લભભાઈ પણ મારા તમારા જેવું માટીનું પૂતળું છે, પણ એ તો ખેડૂત બન્યા, બારડોલીના સુખે સુખી અને દુઃખે દુઃખી બન્યા, તેમના નચાવ્યા નાચ્યા, એટલે આજે વલ્લભભાઈના નચાવ્યા ખેડૂતો નાચે છે. પણ બારડોલીની ચાવી રેંટિયામાં જ હતી એ ન ભૂલશો. બધે રાજ્યપ્રકરણી વાતોથી જ કામ થાય છે એમ નથી. રાજાના દોષનું ગાન કર્યાં કર્યેથી જ કામ થાય એવા મિથ્યાવાદ છોડી દો. દક્ષિણ આફ્રિકામાં મેં રાજ્યપ્રકરણની વાત નથી કરી. ચંપારણમાં મહાસભાનું નામ જ મેં નહોતું લીધું, પણ આજે ત્યાં મહાસભાનું વધારેમાં વધારે કામ થઈ રહ્યું છે. મોટાં વ્યાખ્યાનથી રાજાને થથરાવવા જશો તો તેમાંથી શુક્રવાર નહીં વળે, તેથી છોકરાં ઘૂઘરે નથી રમવાનાં. અંધાધૂંધીથી જો રાજ્ય લેવું હોય તો જુદી વાત છે. કોક તો ગાંડો થઈ જશે અને અંધાધૂંધીથી ડરીને આપણું માગેલું આપશે એમ તમે માનતા હો, તો મારું ભાષણ આપવું નકામું છે, તમારું સાંભળવું નકામું છે.”

મહાદેવ હરિભાઈ દેસાઈ
 
નવજીવન, ૭–૪–૧૯૨૯