આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૦
ચક્રવર્તી
અને માંડલિક

ભાઈ કકલભાઈ કોઠારીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તે તેના જવાબ સાથે નીચે આપું છું :

૧. “મોરબીમાં આપે બે વાત કહી : ‘(૧) બ્રિટિશ સલ્તનતનો હું નાશ ઇચ્છું છું; (૨) દેશી રાજ્યોમાં હજી સુધારાને અવકાશ છે એમ હું માનું છું.’

આને અંગે નીચેના પ્રશ્નો ઊઠે છે:

દેશી રાજ્યો બ્રિટિશ સલ્તનતની જેમ નાશને યોગ્ય ઠરે તે માટે દેશી રાજ્યોના સડામાં હજી કયાં તત્ત્વો ઉમેરાવાં જરૂરી છે ? હજી શું બાકી રહ્યું છે ? બ્રિટિશ સલ્તનતને નાશને પાત્ર ઠરાવનારું બ્રિટિશ સલ્તનતમાં જે છે અને દેશી રાજ્યમાં જે નથી તેવું શું છે?”

દેશી રાજ્યો ઉપરથી બ્રિટિશ રાજ્યનું છત્ર ઊડવું બાકી રહ્યું છે. ઇતિહાસ એમ શીખવે છે કે ચક્રવર્તીના પડવા પછી તેની છાયામાં નભતાં માંડલિક રાજ્યો જેમનાં તેમ નભતાં નથી. તે માંહોમાંહે વઢી કેટલાંક નાશ પામે છે, કેટલાંક સબળ થાય છે. જો ચક્રવર્તી દુષ્ટ હોય છે તો તેના નાશ પછી માંડલિકમાંનાં બાકી રહેનારાં કેટલાંક સુધરે છે. આપણે ત્યાં તો કલ્પના એવી છે કે ચક્રવર્તીની ગાદી બ્રિટિશ હિંદુસ્તાન લેશે, એટલે કે તેનામાં એટલું બળ હશે કે બટલર કમિટીના