આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
દેશી રાજ્યોનો પ્રશ્ન


કાઠિયાવાડના જાડી ખાદીની બંડીવાળા ને મોટી પાઘડીવાળા મેઘવાળોમાંથી એક લાખ સાળો ચલાવે તો તેઓ દર માસે ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયા કમાય; તેમ આઠ માસ વણે તો એક કરોડ સાઠ લાખ રૂપિયા વરસે દહાડે પોતાના ઘરમાં મૂકે. શું આપ દીર્ઘદૃષ્ટિ પહોંચાડી આવા બરકતવાળા ઉદ્યોગને સંપૂર્ણ ઉત્તેજન ન આપો ?

આપની પાસેથી તો હું એ આશા રાખું કે આપ આપના દરબારોમાં પણ ગરીબોએ વણેલી ખાદીને માન આપો. દરબારી પોશાક પણ ખાદીના હોય, અને આપ પોતે પ્રજાએ જ બનાવેલી ખાદી પહેરીને શોભો.

કાઠિયાવાડની પ્રજા ભૂખે મરે ને માન્ચેસ્ટરના કે જાપાનના લોકો આપને પૈસે મહાલે એ રાજન્યાય નથી, એમ આપના શાસ્ત્રીઓ અવશ્ય સમજાવશે. આપને મલમલ જોઈએ તો સારું રૂ પકાવો, ખાસ કાંતનાર વણનારને ઉત્તેજન આપો.

કાઠિયાવાડના પહાડોમાં વસતા રાજાઓને મોજશોખ શા ? તેઓ કૂતરાંના ટોળાં શાને રાખે ? તેઓ તો પ્રજાને સારુ પ્રાણ આપે. પ્રજાને દુઃખે દુઃખી થાય ને પ્રજાને ખવડાવીને જ ખાય. રાજા વણિક બને અને બ્રાહ્મણ નાટક કરે તો ધર્મ કોણ શીખવે ને કોણ સાચવે ?

હું નથી ઈચ્છતો કે કાઠિયાવાડની પ્રજા આપના રાજ્યમાં રહી બ્રિટિશ રાજ્યની સામે ચળવળ કરે ને આપની સ્થિતિને કફોડી કરે. આપની નાજુક સ્થિતિ હું સમજી શકું છું. આપના પ્રત્યે મારી લાગણી છે. ભલે તેઓ અસહકારી ન થાય, પણ સ્વદેશીને આપ નોખું અંગ ગણો ને તેને સ્વતંત્ર રીતે ખીલવવામાં રૈયતને મદદ આપો એ હું નમ્રતાપૂર્વક માગું છું.