આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
વિચારની અરાજકતા

કહેવાનો મારો આશય મુદ્દલ નથી. દેશી રાજાઓને હાથે ખૂનો થયેલાં હું જાણું છું. દેશી રાજ્યોમાં પેસી ગયેલા સડાને વિષે હું અણવાકેફગાર નથી. એ સડાઓને જાણતો છતાં હું માનનારો છું કે તેઓ સુધરી શકે અને અંકુશમાં આવી શકે એવા છે. મારો આ વિશ્વાસ માણસજાત ઉપરના મારા વિશ્વાસ ઉપર રચાયેલો છે. દેશી રાજાઓ હિંદુસ્તાનના વાતાવરણનું ફળ છે. તેમનું હાડ આપણા જેવું છે, તેમની હાજતો આપણા જેવી છે, તેમનામાં આપણા જ ગુણદોષો ભરેલા છે. આપણે આપણામાં વિશ્વાસ રાખીએ તો તેમનામાં પણ રાખીએ. સત્યાગ્રહનું આખું શાસ્ત્ર પ્રાણીમાત્રના વિશ્વાસ ઉપર રચાયેલું છે. એ રચના ભલે છેવટે ખોટી નીવડે. પણ જેનો સત્યાગ્રહમાં વિશ્વાસ છે તે, રાજા માત્ર નકામા છે અથવા રાજ્યસંસ્થા સુધરી જ ન શકે એવું કદી નહિ કહે. સત્યાગ્રહને અંગે રહેલી એક બીજી માન્યતા પણ નોંધવા યોગ્ય છે. સત્યાગ્રહી માને છે કે પાપમાં સ્વતંત્રપણે નભવાની શક્તિ જ નથી. પાપને પુણ્યનો આધાર જોઈએ જ. એટલે કે નઠારું સારાને આધારે જ નભે છે. આ બરોબર હોય તો દેશી રાજ્યો નાશ પામવા યોગ્ય હશે તો તેમના નાશ તેમની મેળે થશે — જો આપણે તેમને ખરાબ માનવા છતાં મદદ નહિ કરતા હોઈએ તો. આ વિચારશ્રેણીમાંથી અસહકારની ઉત્પત્તિ છે. જેઓ દેશી રાજ્યોને નઠારાં જાણવા માનવા છતાં તેમની નોકરી કરે છે તે તેમને નિભાવે છે. જેઓ દેશી રાજ્યોને નઠારાં સમજી નઠારી રીતે તેમનો નાશ કરવા મથે છે તેઓ પણ તેમને મદદ કરે છે. દુષ્ટતાનો નાશ દુષ્ટતાથી કદી થયો નથી. પણ મારા જેવા, જેઓ ભલે ભૂલથી છતાં શુદ્ધ ભાવથી તેમનામાં સારું