આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોઈ તેમની તેટલા પૂરતી સ્તુતિ કરે છે, તે કાં તો તે વડે તેને સુધારે છે, અથવા તે વડે તે સત્યાગ્રહ અથવા અસહકાર કરવાનો અધિકાર સાધે છે.

સ્વ. જતીંદ્ર દાસના બલિદાન વિષે મેં મૌન સેવ્યું છે તેની ઉપર પત્ર લખનારે કટાક્ષ કર્યો છે. એ વિષે ‘નવજીવન’માં નોંખું લખાયું છે એટલે અહીં તેનો ફરી ઉલ્લેખ નથી કરતો.

હવે રહી લેખકની ખાતરીની વાત. તે લખે છે: “આપ તો એમ જ સમજો છો કે દેશી રાજ્યની પ્રજા જેલથી ડરે છે. પણ હું ખાતરીથી કહું છું કે અમે જેલથી ડરતા નથી, મોતથી પણ ડરતા નથી.” દિલગીરીની સાથે મારે લખવું પડે છે કે આ ખાતરીની મારી આગળ કિંમત બહુ ઓછી છે, અથવા નહિ જેવી છે. હું માનું છું કે દેશી રાજ્યોની રૈયતમાંથી આંગળીના વેઢા ઉપર ભાગ્યે ગણી શકાય એટલા માણસો જેલ જવાને તૈયાર નીકળશે. મોતની વાત જ શી ? જે જુલમ દેશી રાજ્યોમાં થાય છે તે જો રૈયતવર્ગ બીકણ ન હોત અને જેલ ઇત્યાદિનાં દુઃખ વેઠવા તૈયાર હોત તો અસંભવિત હોત. લખનાર યાદ રાખે કે દેશી રાજ્યમાં કે અંગ્રેજી રાજ્યમાં જેલ જનારાને કોઈ રોકતું નથી. સ્વાર્થત્યાગ અને બલિદાન કરવાની શક્તિ જ્યારે દેશમાં વ્યાપક થશે ત્યારે સડામાત્ર નાશ પામશે.

નવજીવન, ૨૦–૧૦–૧૯૨૯