આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૩
દેશી રાજ્યો અને સત્યાગ્રહ

મારી સામે બે કાગળ પડ્યા છે. એક મારી ઉપર છે; બીજો ભાઈ કિશોરલાલે તેમની ઉપર આવ્યો છે તે મને જવાબ દેવા મોકલ્યો છે. મારી ઉપરનાનો સાર આ છે :

“अ માં સત્યાગ્રહ ચાલે છે તો તમે અટકાવો છો, ब માં કરનારને ઠપકો આપો છે, क માં થતા સત્યાગ્રહને મોળો પાડો છો ને ग માં સત્યાગ્રહ કરનાર નવા માણસને રજા આપો છો. આવી વિપરીત સ્થિતિમાં તમને પોતાને મૂકવાને બદલે હાલ સત્યાગ્રહ બંધ કરાવીને સૌને માત્ર ખાદીનું કામ કરતા થઈ જવા પ્રેરી સત્યાગ્રહની લાયકાત મેળવવાનું કાં નથી કહેતા ?”

ભાઈ કિશોરલાલની ઉપરનો લાંબો કાગળ ક્રોધથી ભરેલો છે :

“મહાસભાને દેશી રાજ્યોના અમે ઠીક મળ્યા છીએ ! લડાઈને વખતે માર ખાવામાં અમે, જેલ જવામાં અમે, હવે સુલેહ થઈ એટલે અમે કચરા બન્યા. અમારા કાગળો મંત્રી મહોદય કચરાની ટોપલીમાં નાખે. અમે વીરતા બતાવવા ઇચ્છીએ તો મહાસભાની સંધિને નુકસાન પહોંચે ! ભલે અમને દેશી રાજ્યો કચરી નાંખે. ફૂલચંદભાઈ જેવા મહાવીર પોતાની વીરતા બતાવે એટલે તેમનું તેજ હણી નાખવાના હુકમ નીકળે. આ તે ક્યાંનો ન્યાય ? આ કેવી સંધિ ! આમ સ્વરાજ લેવાશે ?”