આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
દેશી રાજ્યોનો પ્રશ્ન

મર્યાદા ઓળખી લેવી ઘટે છે. અથવા સત્યાગ્રહનું નામ મૂકી દો ને સ્વેચ્છાપૂર્વક વર્તો. જગત તમને ઓળખશે. પણ સત્યાગ્રહને નામે થતાં, પણ તેને ન છાજતાં, કામોથી તો જગત પણ વ્યાકુળ થાય, મૂંઝાય ને તેને પોતાની દિશા ન સૂઝે.

હવે રહ્યો બીજો કાગળ. તેનો ઘણો જવાબ તો ઉપર આવી ગયો. મહાસભાએ તો દેશી રાજ્યમાં દખલ દીધી જ નથી. મહાસભાએ દેશી રાજ્યમાં કોઈ ને સત્યાગ્રહ કરતાં રોક્યા નથી. જો રોકાણ થયું હોય તો તે મારી તરફથી જ થયું છે. થયું છે ત્યાં તે સકારણ થયું છે.

જેમણે ગઈ લડતમાં ભાગ લીધો તેમણે મહાસભા ઉપર કે કોઈ પરાયા પર ઉપકાર નથી કર્યો. ઉપકાર કર્યો કહી શકાય તો તે તેમણે પોતાની ઉપર જ કર્યો હતો. એ યુદ્ધમાં ભાગ લેવાનો બધા હિંદીનો ધર્મ હતો. સત્તાએ હિંદુસ્તાનના ચાર ભાગ કર્યાં છે : અંગ્રેજી, દેશી, પોર્ટુગીઝ, ફ્રેંચ. કુદરતે હિન્દુસ્તાનને એક જ બનાવ્યું છે. સત્તા ભલે આ મારું ને આ તારું એમ માને, પણ આપણે તો એક જ છીએ. તેમાંનું મુખ્ય અંગ જો સ્વતંત્ર થાય, સ્વરાજ મેળવે, તો બીજાં અંગ એની મેળે પુષ્ટ થાય. તેથી અત્યારે જો દેશી રાજ્યોમાંના અને બહારના આપણે બધા અંગ્રેજી વિભાગમાં બધી શક્તિનો ખર્ચ કરીએ ને સ્વરાજ મેળવીએ, તો દેશી રાજ્યમાં ઘણા સુધારા એની મેળે થઈ જ જાય. આથી ઊલટું, જો દેશી રાજ્યોમાં અનુચિત સત્યાગ્રહ કરીને પ્રજાશક્તિનો દુર્વ્યય કરીએ તો સ્વરાજ દૂર જાય.

નવજીવન, ૫–૭–૧૯૩૧