આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

બંધ હતું. દરબારે હડતાળ ખોલવાનું કહેતાં પ્રજાએ જવાખ આપ્યો કે, ‘આમ માર મારે ત્યાં અમારી સલામતી શી ? મહાસભાવાળા કહે તો જ ખોલીએ.’ હડતાળ પાંચ દિવસ ચાલી.

હું માંડળ દવાખાને સારવાર માટે ગયેલો. દરબારે સમાધાન માટે માણસો મોકલ્યા. પણ તે પહેલાં હું અમદાવાદ પહોંચેલો. દરબાર સમાધાન ઇચ્છે તો કરવા અને હડતાળ સંબંધી યોગ્ય કરી પ્રજાને રાહત આપવા અમદાવાદથી શ્રી. ભોગીલાલ લાલા તથા હરિપ્રસાદ મહેતાને બોલાવી લાવ્યા.

તેઓ તથા બીજા બે ભાઈઓ વણોદ ગયા. દરબારે સ્વેચ્છાએ મળવા બોલાવ્યા, પણ એક ભાઈનું માથું ઉઘાડું હોઈ તે બહાનું કાઢી મળવાની ના પાડી. તેઓ પાછા ફર્યાં અને લોકોને હડતાળ ખોલી નાંખવા સલાહ આપી.

દરબાર લોકોને વધુ સતાવવા લાગ્યા. એવામાં દરબારના નાના ભાઈ જે બહારગામ હતા તે આવ્યા. તેમણે મારી તથા પ્રચારાર્થે આવેલ ધોલેરા સંગ્રામના સૈનિક વ્રજલાલ શાહ તથા વિરમગામ અને સીતાપુરના ૧-૨ સદ્‌ગૃહસ્થો રૂબરૂ આ કૃત્ય બદલ લેખી દિલગીરી દર્શાવી (જેમાં પોલીસોએ માર મારવાની સ્પષ્ટ કબૂલાત છે.)

માર પડ્યા પછી હું માંડળ ગયેલો ત્યાંથી મેં ફરી વાર એજન્સીને આ સંબંધે બીજું નિવેદન મોકલેલું, તેમાં જણાવેલું કે દરબારની અત્યારની વલણ જોતાં અમારી સલામતી જોખમમાં છે. આ દિલગીરીપત્ર પહેલાંની વાત.

પણ દિલગીરી તો મગરનાં આંસુ જ હતાં. હું ત્યાંથી નીકળી અહીં મારા કાયમના કામકાજ પર આવતાં જ દરબારે નીચે મુજબ તાંડવ શરૂ કર્યું છે:

૧. સ્વયંસેવકોને જમાડવાના ગુના બદલ એક ખૂબ જ ગરીબ અને બચરવાળ માણસને નોકરીમાંથી રજા આપી છે.