આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

સ્વરાજને અંતે જે માલમિલકત બચ્યાં હશે તે તેના મૂળ ધણી અથવા તેના વારસ ભોગવશે જ. દરબાર ગોપાળદાસ જાણે છે કે સ્વરાજ મળ્યે ઢસા એમના જ હાથમાં આવવાનું છે. દરમિયાન તેઓ મૂઠીભર માણસોના દરબાર મટીને લાખોના સેવક એટલે સાચા દરબાર થયા છે. શુદ્ધ સત્યાગ્રહી થોડું છોડીને ઘણું મેળવે છે.

૩. પણ દેશી રાજ્ય સામું યુદ્ધ દેવા આવે ત્યારે શું કરવું ? ઉપલી કલમમાં આપેલી મર્યાદા સચવાય ત્યાં આવો પ્રશ્ન ઊભો થતો જ નથી. પણ કદાચ થાય તો પડ્યું પાનું નિભાવી લેવું.

૪. દેશી રાજ્યના જુલમમાં એજન્સી વચમાં આવી શકે કે નહિ? જરૂર આવી શકે. મારી દૃષ્ટિએ સમાધાની દેશી રાજ્યને બંધનકર્તા નથી. એજન્સીની દૃષ્ટિએ તો હોવી જોઈએ. એટલે એજન્સી સાચી થાય તો તે ઘણુંયે કરી શકે. તેથી એજન્સીની પાસે દાદ માગવાનો દેશી રાજ્યની રૈયતને અધિકાર છે, અને એ માગે એ ઇષ્ટ છે. એજન્સીનું પાણી એમાંથી કળાઈ જશે.

૫. અંગ્રેજી હદમાં મહાસભા એક પગીનો બચાવ કરે ને દેશી રાજ્યમાં ભલે ગમે તેમ થાય પણ એને કંઈ જ નહિ ? એમ કંઈક છે ખરું. સૌએ પોતાની શક્તિનું માપ કાઢવું જોઈએ. શક્તિ વિના જે બોલે છે તે બકે છે. મહાસભાની ઇચ્છા તો ઘણુંયે કરવાની હોય, પણ જ્યાં શક્તિ ન હોય ત્યાં તે શાંત રહે છે. તેના શાંત રહેવાથી તે કોઈ વાર શક્તિ પણ મેળવે છે. પ્રાન્તિક સમિતિ ઉત્તર ન આપે એ ન બને.