આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

દેશી રાજ્યોમાં પેદા થતી સંપત્તિની સમાન નહિ તો અત્યારના કરતાં વધારે ન્યાયપૂર્વક વહેંચણી તેઓ, પ્રમાણમાં વધારે સહેલાઈથી, કરાવી શકે. તેઓ ઝાઝા પ્રયત્ન વિના તેમના રાજાઓની ખાનગી સંપત્તિ પર અંકુશ રાખી શકે, અને સસ્તો ને શુદ્ધ ન્યાય મળે એવી પાકી વ્યવસ્થા કરી શકે. અતિશય વિશાળ અને નોકરશાહીના સકંજામાં સપડાયેલા બ્રિટિશ હિંદ કરતાં તેઓ દારિદ્ર્યના અને ગ્રામનવરચનાના પ્રશ્નોનો નિકાલ ઘણી જ વધારે સહેલાઈથી આણી શકે. તેઓ માગતાંવેત સાચી રાષ્ટ્રીય કેળવણી મેળવી શકે.

આ એમનું સ્વરાજ હશે; બેશક મહાસભાને જે પૂર્ણ સ્વરાજ જોઈએ છે તેના કરતાં તો એ ઘણું જ ઓછું હશે. પણ જે મોટાં રાજ્યોની પ્રજાનો મોટો ભાગ પોતા પૂરતું સ્વરાજ મેળવી લે તે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિનો દિવસ કોઈએ સ્વપ્ને પણ ન કલ્પ્યો હોય એટલે જલદી આવે. એટલે દેશી રાજ્યોમાંના સુધારકો અઘટિત અધીરાઈ ન કરે; તેઓ પોતાની મર્યાદાઓ, અને એ બધા ઉપરાંત વિજયની જે શરત — સત્ય અને અહિંસાનું કડકમાં કડક પાલન — છે તે ન ભૂલે. તેમણે પાછી પાની કર્યા વિના, પણ સાથેસાથે આત્મરક્ષણને નામે આંગળી સરખી ઊંચી કર્યા વિના, ગાળીનો વરસાદ સામી છાતીએ ઝીલવાને તૈયાર રહેવું જોઈએ. સત્યાગ્રહી આત્મરક્ષણનો હક સ્વેચ્છાએ જતો કરે છે. વળી એ પણ યાદ રાખવું જોઈએ કે સત્યાગ્રહીની ઓછામાં ઓછી માગણી એ જ એની વધારેમાં વધારે માગણી પણ છે.

હરિજનબંધુ, ૧૦–૭–૧૯૩૮