આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

પણ તપાસ થાય કે ન થાય તોયે ત્રાવણકોર રાજ્ય સભાનું કર્તવ્ય તો સ્પષ્ટ છે. તે એ કે, એક તરફથી તેઓ કે તેમની પ્રત્યે સમભાવ રાખનારાઓ કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેની કાળજી રાખવી, અને બીજી તરફથી ત્રાવણકોર સરકાર નમે અથવા તો પોતાના એકેએક સભ્ય ગિરફ્તાર થઈ જાય ત્યાં સુધી સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખવો.

અહીં હું અહિંસાની એક મર્યાદા બતાવી દેવા ઇચ્છું છું. ઝુલમ કરનાર માણસ તેનો ભોગ થઈ પડનાર માણસની અહિંસા પર મદાર બાંધીને તેમાંનો એકેએક જણ કચડાઈ જાય ત્યાં સુધી જુલમ કર્યે જ જાય તો આસપાસના વાતાવરણમાંથી પોકાર ઊઠે છે, અને લોકમતની કે એવી કોઈક શક્તિ જુલમગારને ઘેરી વળે છે. પણ કોઈ પણ સત્યાગ્રહી એમ ન માને કે તેણે મરણ પર્યંતનું કષ્ટ વેઠવાનું નથી. તે પોતાના અજેય આત્માથી મોતનો ને માલમતાના રંજાડનો સામનો કરે છે, તે તેને તુચ્છકારે છે. જુલમ કરનાર માણસ તેના જુલમનો ભોગ થનારને નમાવી કે ભાંગી શકતો નથી એમાં જ એની અચૂક હાર રહેલી છે.

દેશી રાજ્યો જો તેમની હઠીલાઈ નહિ છોડે, અને હિંદુસ્તાનભરમાં જે જાગૃતિ આવેલી છે તેને વિષેના પોતાના અજ્ઞાનને વળગી રહેશે, તો તેઓ અચૂક વિનાશ વહોરી રહ્યાં છે. હું દેશી રાજ્યોનો મિત્ર હોવાનો દાવો કરું છું. એમની સેવાનો વારસો મારા કુટુંબમાં કંઈ નહિ તો ત્રણ પેઢીથી તો ચાલ્યો આવે છે. હું પ્રાચીનતાનો અંધ પૂજક નથી. પણ આ વારસાની મને શરમ આવતી નથી. બધાં રાજ્યો કદાચ નહિ જીવે. મોટામાં મોટાં તો જ જીવી શકશે જો તેઓ તેમની