આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

આ દેશી રાજ્યોની પ્રજાને, ધેનકનાલમાં ચાલી રહ્યું છે તેમ, પીસી કાઢવામાં આવતી હોય તેવે વખતે પણ પોતાને કશી નિસબત ન હોય તેમ તેમનાથી ચૂપ બેસી રહેવાય નહિ.

છાપાંમાં જોઉં છું કે ધેનકનાલની રૈયતને કંઈક છૂટો અપાઈ છે. છાપાંની બાતમી સાચી છે કે કેમ અગર તો જે રાહત આપવામાં આવી છે તે જેને સારુ લોકો લડી રહ્યા છે અને આટલી જહેમતો ઉઠાવી રહ્યા છે તે તેમની હાજતોને પહોંચી વળે છે કે કેમ એ હું નથી જાણતો. મેં ઉઠાવેલા સવાલને અંગે એ વિગત અપ્રસ્તુત છે. મને તો લાગે છે કે, પ્રાંતિક સ્વાયત્તતા ભોગવનારા પ્રધાનો, પોતાની હદમાં આવેલાં દેશી રાજ્યોમાં ભયાનક અંધેર ચાલતું હોય તો, નૈતિક દૃષ્ટિએ તે તરફ લક્ષ આપવા અને એ સ્થિતિ અટકાવવા સારુ એમના અભિપ્રાય પ્રમાણે શું કરવું જોઈએ એ બાબતમાં ચક્રવર્તી સત્તાને સલાહ આપવાને બંધાયેલા છે, અને ચક્રવર્તી સત્તા પણ, જો તેને પ્રાંતિક પ્રધાનો જોડે મૈત્રીનો સંબંધ રાખવો હોય તો, તેમની સલાહને સહાનુભૂતિપૂર્વક સાંભળવાને બંધાયેલ છે.

બીજી એક બાબત તરફ પણ દેશી રાજ્યો અને તેમના સલાહકારો સત્વર ધ્યાન આપે એ અગત્યનું છે. તેઓ મહાસભાના નામથી ભડકે છે. મહાસભાવાદીને તેઓ બહારના, પારકા, ઇત્યાદિ ગણે છે. કાયદાની દૃષ્ટિમાં તેઓ ભલે તેવા ગણી શકાતા હોય, પણ માણસનો કાયદો જ્યારે કુદરતી કાયદાનો વિરોધી બને છે અને એ કુદરતી કાયદો જ્યારે પોતાની પૂરી અસર પાડવા લાગે છે ત્યારે મૃત થઈ પડે છે. દેશી રાજ્યોની પ્રજા તેમનાં હિતોની બધી બાબતોમાં મહાસભા સામું જુએ છે. તેમનામાંના ઘણા મહાસભાના સભ્યો છે.