આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૬
રાજકોટ

રાજકોટની લડત જેટલી સુંદર રીતે શરૂ થઈ તેટલી જ સુંદર રીતે તે પૂરી થઈ છે. આ લડતના સંબંધમાં અત્યારસુધી હું લગભગ કશું જ બોલ્યો નથી. મારા મૌનનો કોઈ એ અર્થ ન કરે કે મને એમાં રસ નહોતો. રાજકોટ જોડેનો મારો નિકટ સંબંધ જોતાં એમ હોવું અસંભવિત હતું. મારા પિતા રાજકોટ રાજ્યના દીવાન હતા એ બીના ઉપરાંત મરહૂમ ઠાકોર સાહેબ (લાખાજીરાજ) મને બાપને ઠેકાણે માનતા. મારા મૌનનું બીજું એ પણ કારણ હતું કે સરદાર વલ્લભભાઈ આ લડતના પ્રાણ હતા. મારે એમનાં કે એમના કામનાં વખાણ કરવાં એ પોતાનાં વખાણ કર્યાં બરાબર થાત.

રાજકોટની લડતે બતાવી આપ્યું છે કે અહિંસાની ભાવનાથી પ્રજા પૂરતી રંગાયેલી હોય તો એણે કરેલો અહિંસામય અસહકાર કેટલું કામ કરી શકે છે. રાજકોટ રાજ્યની પ્રજાએ જે સંપ, સંગઠન અને ત્યાગશક્તિ દેખાડી આપ્યાં એવાંની મને મુદ્દલ આશા નહોતી. તેમણે બતાવી આપ્યું છે કે, પ્રજા એ રાજાના કરતાં મોટી છે અને અહિંસામય લડતમાં સંગઠિત થયેલી પ્રજાની સામે એક અંગ્રેજ દીવાનનું સુધ્ધાં કશું ચાલી શકે નહિ.