આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
ઔંધનું રાજ્યબંધારણ

રાજ્યમાંથી છ મહિનાની અંદર નિરક્ષરતા નાબૂદ થાય એની કાળજી તેઓ રાખશે. એટલે હું આશા રાખું છું કે મતાધિકારને માટે અક્ષરજ્ઞાનની જે લાયકાત ઠરાવવામાં આવી છે તેની સામે ઔંધમાં કશો વિરોધ નહિ થાય.

પ્રચલિત પ્રથામાં બીજો ફેરફાર એ કરેલો છે કે નીચલી અદાલતમાં ન્યાય મફત ને અતિશય સાદો કરી નાંખ્યો છે. પણ ટીકાકારો કદાય નારાજ થશે તે ન્યાયના આ મફતપણા કે સાદાઈથી નહિ પણ બીજી એક વસ્તુથી. તે એ છે કે વચલી બધી અદાલતો નાબૂદ કરવામાં આવી છે, અને દાવાના પક્ષકારો અને આરોપીનું નસીબ એક જ માણસની બનેલી વરિષ્ઠ અદાલતના હાથમાં સોંપવામાં આવેલું છે. પોણો લાખ માણસની વસ્તીમાં ઘણા ન્યાયાધીશો હોવા એ અનાવશ્યક અને અશક્ય બને છે. અને જો યોગ્ય પ્રકારના માણસને મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદ કરવામાં આવે તો તે મોટા પગારવાળા ન્યાયાધીશોના મંડળ જેટલા જ શુદ્ધ ન્યાય આપે એ સંભવત છે. ન્યાયનું સ્વરૂપ આમ સાદું કરવામાં કલ્પના એ રહેલી છે કે અદાલતોનું અટપટું ને લાંબુલચ કામ નાબૂદ કરવું, અને મોટાં કાયદાનાં થોથાં અને બ્રિટિશ અદાલતોમાં વપરાતા કાયદાના રિપોર્ટોનો ઉપયોગ પણ કાઢી નાંખવો.

બારડોલી, ૧૦–૧–૩૯
હરિજનબંધુ, ૧૫–૧–૧૯૩૯