આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
મહાસભા અને દેશી રાજ્યો


“જો જયપુરના સત્તાવાળાઓ અવલ દરજ્જાનો મામલો ઊભો કરે તો મહાસભાથી એટલે કે દેશ આખાથી જમનાલાલજી તથા પ્રજામંડળની વગરવાંકે ગિરફ્તારી અને બીજાં વીતકો ટગર ટગર ન જ જોવાય. મહાસભાના ટેકાને અભાવે જયપુરની પ્રજાના જુસ્સાને કચડી નાંખવામાં આવે, અને પોતાનામાં તાકાત છતાં તે ન વાપરતાં જો મહાસભા તેમ થવા દે, તો તે પોતાની ચોખ્ખી ફરજ ચૂકે આ અર્થમાં મેં કહ્યું છે કે જયપુરનો અથવા કહો કે રાજકોટનો મામલો કદાચ દેશવ્યાપી થઈ પડે.

“મહાસભાની બિનદખલગીરીની નીતિ, જ્યારે રાજ્યોની પ્રજામાં જાગૃતિ નહોતી ત્યારે, મારી નજરમાં આબાદ રાજદ્વારી ડહાપણના નમૂનારૂપ હતી. એથી ઊલટું, જ્યારે દેશી રાજ્યોની પ્રજામાં ચોમેર જાગૃતિ આવી હોય અને પોતાના વાજબી હકો સ્થાપવાને સારુ લાંબાં દુઃખ વેઠવાનો તેનો નિશ્ચય હોય, ત્યારે એ જ નીતિ ચલાવવી એ નરી ભીરુતા ઠરે. જો આટલું કબૂલ હોય તો પછી આઝાદીની લડત ગમે ત્યાં ઉઠાવવામાં આવે તોપણ તેની જોડે અખિલ હિંદને નિસબત છે જ. તેથી મહાસભાને જ્યાં જ્યાં વચ્ચે પડવાની ઉપયોગિતા સમજાય ત્યાં તેણે તેમ વચ્ચે પડ્યે જ છૂટકો.”

એકાદ રજવાડાના જ નર્યાં પ્રશ્નને ખાતર એક સંસ્થા તરીકે મહાસભા અગર તો જુદા જુદા પ્રાંતનાં મહાસભા પ્રધાન મંડળો સરકાર જોડે કટોકટીનો મામલો ઊભો કરે, એ કેટલે સુધી વાજબી લેખાય, એ સવાલના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું :

“ધારો કે બ્રિટિશ હિંદના કોઈ જિલ્લાનો કલેક્ટર ત્યાંના લોકોને રેંસી નાખે, તો એ પ્રશ્ન પર મહાસભા દેશવ્યાપી