આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
પ્રેમપંથ પાવકની જ્વાળા

તા. ૨૧–૧–૩૯ ને રોજ કરેલી જાહેરાત તેમણે તેમની તા. ૨૬–૧૨–૩૮ની જાહેરાતમાં આપેલા વચનનો ભંગ છે એમ કહેવામાં મેં ભૂલ કરી છે, તો તેઓ મારા કથનને તેમ જ મારા ઉપવાસને વખોડી કાઢીને મારા પ્રત્યેનો મિત્રધર્મ બજાવે. ઉપવાસની પાછળ ઠાકોર સાહેબનું હૈયું પિગળાવવાનો હેતુ તો સ્પષ્ટ છે, પણ જાહેર પ્રજાને સંકડામણમાં મૂકીને તેમની પાસે ઠાકોર સાહેબ પર અગર તો જેમની નજરમાં ઠાકોર સાહેબનું વર્તન નિર્દોષ છે તેમના પર દબાણ આણવાનો હેતુ નથી.

બીજી પણ એક વાતનો ઉલ્લેખ કરું. મારા કાગળની પહેલી કંડિકામાં દરબાર વીરાવાળા પર મેં ટીકા કરી છે. હું સત્ય પ્રતિજ્ઞાથી કહી શકું કે માણસના દોષ જોવામાં હું ધીમો છું, કારણ હું પોતે દોષોથી ભર્યો છું. કોઈ પર કાજીપણું ન કરવાનું અને કોઇની ત્રુટીઓ દેખાય ત્યાં પણ આકરા ન થતાં ઉદારભાવે જોવાનું હું શીખ્યો છું. દરબાર વીરાવાળાના સબંધમાં તો એમ બન્યું છે કે મારી પાસે તેમની વિરુદ્ધ અતિ કડવી અને ગંભીર ફરિયાદો આવી છે. તેમની જોડેની વાતોમાં મેં એનો ઉલ્લેખ કર્યો, અને મારે એમની તરફેણમાં કહેવું જોઈએ કે તેમણે એની તપાસ કરી જોવા મને કહ્યું. મેં કહ્યું હું કરીશ, અને ઉપવાસ વચ્ચે ન આવ્યા હોત તો તેવી તપાસ હાથ ધરવાની મારી પૂરી ઇચ્છા હતી. તેમની સામેના ચોક્કસ આક્ષેપોને લગતો પુરાવો મને આણી આપવા મિત્રોને મેં કહ્યું પણ હતું. પણ ત્રણ દિવસની લાંબી વાતો પછી મારી છાપ થઈ કે અમારી વાતોમાંથી મને મળી આવેલો પુરાવો જ એમની સામેના ભારે તહોમતનામાની