આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

સાબિતીને સારુ બસ હતો. મારા કાગળની પહેલી કંડિકામાં મેં જે કંઈ કહ્યું છે તે મારા અભિપ્રાયની ઇરાદાપૂર્વકની અલ્પોક્તિ છે. એ કંડિકા લખતાં મને અતિશય દુઃખ થયું છે, પણ મારો ધર્મ બજાવવામાં એ જરૂરી હતું. ઠાકોર સાહેબની ઉપર એમણે પાથરેલા વશીકરણ સામે હું ઠાકોર સાહેબને ચેતવું. થોડાઘણા નહિ પણ કેટલાયે પીઢ મોભાદાર લોકોએ વાળીવાળીને મને કહ્યું છે કે, દરબાર વીરાવાળાનું કામણ ઠાકોર સાહેબ ઉપર ચાલુ છે ત્યાં સુધી પ્રજાને સારુ શાંતિ નથી. મને પોતાને લાગે છે કે આ કથનમાં ઘણું સત્ય રહેલું છે. અને અનશનનો આરંભ કરી રહ્યો છું એવી વેળાએ જો હું આ સાચી હકીકતથી જાહેર પ્રજાને અજાણ રાખું તો અધર્મ થાય. મેં દરબાર વીરાવાળાને એક ખાનગી અંગત કાગળ મોકલ્યો છે તે મારા તરફથી તો કદાપિ પ્રગટ નહિ જ થવા પામે, પણ હું એમને નમ્રભાવે અરજ ગુજારું છું — અને જેઓને તેમની જોડે ઓળખાણ છે તે બધાને તેમાં જોડાવા વિનંતી કરું છું — કે ઠાકોરને તેમની અસરમાંથી છૂટવું મુશ્કેલ હોય તોપણ તેમણે પોતે ઠાકોર સાહેબને દોરવતા અટકવું. બીજું ઘણું હું કહી શકું એમ છું પણ ન કહું.

દોઢ બે પેઢી થયાં હું કાઠિયાવાડમાંથી દેશવટે છું, છતાં હું કાઠિયાવાડની મેલી રાજખટપટથી પરિચત છું. આ દુર્ભાગી પ્રાંત એના કાવાદાવાને માટે નામચીન છે. ચાર દિવસના મારા અહીંના વસવાટ દરમ્યાન પણ એની બદબોથી હું ડઘાયો છું. મારા ઉપવાસથી કાઠિયાવાડના રાજકારણની જરાતરા પણ શુદ્ધિ થાઓ એવી મારી ઝંખના છે. તેથી કાઠિયાવાડના રાજાઓને તેમ જ મુત્સદ્દીઓને મારી પ્રાર્થના