આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

ભરવાની કોઈ સત્યાગ્રહી ફરજ નથી. એ તો તાંબિયાને મૂલે કોરી વટાવવા જેવો ન્યાય થયો.

આનો અર્થ એવો નથી કે, શરત ન હોય એટલે સત્યાગ્રહીને ગાળો ભાંડવાનો ઈજારો મળ્યો. નમ્રતા ને વિનય છોડે તે સત્યાગ્રહી શાનો ? તે પોતે પોતાની મર્યાદા આંકી શકે છે તેથી બીજાની આંકણી કબૂલ કરવાનો ઇનકાર કરે છે. તેની પોતાની આંકણી તો સખતમાં સખત હોય છે.

આ વર્ષે જો પરિષદનું કામ શુદ્ધ વિનયપૂર્વક પાર ઊતરે, વિરોધીને પણ ‘વાહ ! વાહ !’ કહેવાનો વખત આવે, છતાં જો આવતે વર્ષે શરતોરૂપી કે બીજાં વિઘ્ન આવે, તો સત્યાગ્રહીઓનો કેસ એટલો બધો શુદ્ધ ને મજબૂત થાય છે કે તેની સામે કોઈ ને કંઈ કહેવાપણું જ ન હોય, ત્યારે જો કોઈ સત્યાગ્રહી મોજૂદ હશે તો તેને સારુ રણભૂમિ તૈયાર હશે.

‘પણ અત્યારનો જોસ બધો પીગળી ગયો તો પછી સત્યાગ્રહીઓ ક્યાંથી કાઢીએ ?’ એવું પણ કહેનારા ભલા ને ભોળા કાઠિયાવાડીઓ આજ જોવામાં આવે છે. તેઓએ જાણવું ઘટે કે સત્યાગ્રહ એ ભાંગનો નશો નથી. સત્યાગ્રહ એ મગજનો પવન નથી. સત્યાગ્રહ એ અંતરનાદ છે. વખત જતાં તે ધીમો નથી પડતો પણ તીવ્ર થાય છે. જે દબાઈ શકે તે અંતરનાદ નથી પણ તેનો આભાસ માત્ર છે. જેવી મૃગજળની, તેવી તેવી તેની કિંમત સમજવી. આવતે વર્ષે પણ સજ્જ હશે તે જ સત્યાગ્રહી ગણી શકાય. કાઠિયાવાડ એવી ભૂમિ છે કે જ્યાં ખેતરોને સારુ રજપૂતો અને કાઠીઓ જન્મારા સુધી લડ્યા છે. બરડાનાં વાઘેર મૂળુ માણેક ને જોધા માણેકે આખી એજન્સીને ધ્રુજાવી હતી. તેનો જોસ