આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પ્રતિનિધિસ્વરૂપ ગણાય એવા કોઈ સત્યાગ્રહીએ જુઠાણું કર્યાનું સાબિત થાય તો હું પોતે રાજકોટની લડતમાંથી સદંતર નીકળી જાઉં, અને એવા જૂઠ આચરનારા લોકોનો જવાબદાર રાજ્યતંત્ર માગવાનો હક રદ થયો છે એમ ગણું. મેં વગર આનાકાનીએ કરેલી આ કબૂલાતથી ખાંસાહેબને ધાર્યા કરતાં વધુ ખુશી થયેલી જણાઈ હતી.

જો હું આ અગ્નિપરીક્ષામાંથી બચીશ તો ખાંસાહેબને આપેલું વચન પૂરું કરવાની મારી ઉમેદ છે. પથારીએ પડ્યો પણ હું એકઠો થયેલો પુરાવો ગોઠવવાની તજવીજ કરી રહ્યો છું. જેમના પર વીતી છે એવા અને બીજાઓના ૧૭૫ થી વધુ એકરારો મારી પાસે આવી ચૂક્યા છે.

મારા ઉપર વચનભંગનો સામો આરોપ યાદીમાં કર્યો છે તે નરી નિષ્ઠુરતા છે. મારો ઉપવાસ મારા સુલેહના કાર્યનું એક અંગ છે. તેને અંતે બીજું ગમે તે થાઓ ન થાઓ પણ સુલેહ થશે જ થશે. એમ ને એમ વાટાઘાટ ભાંગી પડતાં તો લડત શરૂ થાત અને કડવાશ તેમ જ ઝેરવેરનો પાર રહેત નહિ.

સમાધાન

રાજકોટના રેસિડન્ટ મિ. ગિબસન મારફતે ના. વાઈસરૉયે તા. ૭મી માર્ચને રોજ સવારના ૧૦–૪૫ વાગ્યે મોકલેલો ગાંધીજી ઉપરનો સંદેશો તથા ગાંધીજીએ મોકલેલો જવાબ નીચે મુજબ હતા:

પ્રિય મિ. ગાંધી,

ના. વાઇસરૉયને તમે પાઠવેલો જવાબ કાલે જ મેં તારથી મોકલ્યો હતો, અને હવે મને તેઓ નામદાર તરફથી નીચેનો સંદેશો તમને પહોંચાડવાની સૂચના આવી છે :