આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

તેમ કરશે એ રીતે હું મારું વજન મૂકીશ એવી ખોળાધરી સાથે તમને મળ્યા પછી તમારા મનમાં ઊભી થયેલી બધી બીક દૂર થશે, અને આ પ્રકરણમાં ન્યાય થાય એ સારુ હવે બધી સાવચેતી લેવાઈ છે એવી લાગણીમાં તમે મારી જોડે સહમત થશો, અને અનશન છોડી તમારા દેહને થઈ રહેલા કષ્ટમાંથી અને મિત્રોને ચિંતામાંથી મુક્ત કરશો.

હું તમને જણાવી ચૂક્યો છું કે હું તમને અહીં મળવા અને તમારી જોડે ચર્ચા કરવા ઘણો રાજી છું, જેથી રહીસહી શંકાઓ તેમ જ સંદેહ દૂર થઈ જાય.”

ગાંધીજીનો જવાબ

ગાંધીજીએ ના∘ વાઈસરૉયને જવાબ વાળતાં નીચલો કાગળ તુરત જ રેસિડેન્ટ મિ. ગિબસન ઉપર મોકલ્યો:

“તમારો પત્ર મળ્યો. વળી કેટલાક મુદ્દા વિષે મારે સ્પષ્ટતા જોઈતી હતી તેથી તમે મારી પાસે આવી રૂબરુ મળી ચર્ચા કરી ગયા. મારી અત્યારની તબિયતમાં હું શરીરશક્તિ બને તેટલી બચાવવા માગું છું તેથી એ મુદ્દાઓને કાગળ પર મૂકતો નથી. માત્ર તમને નીચેનો સંદેશો ના. વાઈસરૉયને તારથી મોકલવા વિનંતી કરું છું :

“આપે તાકીદે મોકલેલા જવાબ માટે આપનો આભારી છું. જવાબ તાબડતોબ મને ૧૦-૪૫ વાગ્યે પહોંચાડવામાં આવ્યો છે.

જવાબમાં જોકે સ્વાભાવિક રીતે જ ઘણી વસ્તુઓનો ઉલ્લેખ બાકી રહ્યો છે, છતાં આપના ભલા સંદેશાને અનશન છોડવાને સારુ અને જે લાખો લોકો મારા ઉપવાસની પાછળ વહેલા સમાધાનને સારુ પ્રાર્થના અને બીજા પ્રયત્નો કરી