આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરીને જ નહિ અટકે, પણ તે આખા વાતાવરણને ચોખ્ખું કરશે અને દેશી રાજ્યોના સમગ્ર પ્રશ્નનો સર્વસામાન્ય ઉકેલ આણવામાં મદદરૂપ થઈ પડશે.

હું એમ નથી કહેતો કે બધાં રાજ્યોને રાજકોટના દાખલાને અનુસરવું પડશે. રાજકોટની વાત ન્યારી છે, અને તેને એક અલગ કિસ્સા તરીકે ગણવું જોઈએ. એવાં રાજ્યો છે જેના પ્રશ્નો તેના જ ગુણદોષ મુજબ સ્વતંત્રપણે છણાવા જોઈએ. પણ પ્રજાની આંખ આજે દેશી રાજ્યોનો પ્રશ્ન ઉપર જ ચોંટી છે. મને આશા છે કે એ પ્રશ્નના ઉકેલમાં વિલંબને સારું ગુંજાશ નથી એ વાત સૌ સ્વીકારશે.

રાજાઓ મારા શબ્દ ઉપર વિશ્વાસ રાખે કે હું રાજકોટ એમના મિત્ર તરીકે અને સો ટકા શાંતિદૂત તરીકે જ આવ્યો હતો. મેં જોયું કે રાજકોટમાં સત્યાગ્રહીઓ અણનમ હતા, અને એ સ્વાભાવિક હતું. તેમની ઇજ્જત હોડમાં હતી. તેમની સત્ત્વપરીક્ષા હતી. મારી ઉપર જુલમોનાં બયાનોનો ધોધ ચાલુ હતો. મને લાગ્યું કે જો હું સત્યાગ્રહ ચાલુ રહેવા દઉં તો માનવી પશુતાના બૂરામાં બૂરા વિકારો ફાટી નીકળશે. એમાંથી પછી માત્ર રાજકોટ રાજ્ય અને સત્યાગ્રહીઓ વચ્ચે જ નહિ પણ, માણસનું મન વ્યષ્ટિમાંથી સમષ્ટિ તરફ દોડે છે તેમ, રાજાઓ અને પ્રજા વચ્ચે સર્વ સામાન્ય ઝેરવેરભર્યો તીવ્ર વિગ્રહ ઊભો થાત.

અત્યારે પણ દેશમાં એક વધતો જતો જનસંપ્રદાય છે જેમની ખાતરી થઈ ચૂકી છે કે રાજાઓ કોઈ વાતે સુધાર્યા સુધરે તેમ નથી અને એ ‘જંગલી યુગના અવશેષો’ને મિટાવ્યા વિના ભારતવર્ષની મુક્તિ નથી. હું તેમનાથી જુદો પડું છું,