આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
પૂર્ણાહુતિ

અને અહિંસામાં અને તેથી માનવસ્વભાવની ભલાઈમાં માનનારા તરીકે મારું વલણું બીજું ન હોઈ શકે. મારી દૃષ્ટિએ હિંદમાં તેમનું સ્થાન છે. પ્રાચીન કાળની તમામ પરંપરાઓ ભૂંસી કાઢવી શક્ય નથી. તેથી હું માનું છું કે જો રાજાઓ ભૂતકાળના પાઠ હૈયે ધરશે, યુગબળને ઓળખશે અને તેને અનુકૂળ થશે તો બધું કુશળ છે. માત્ર આ બાબતમાં થાગડથીગડ કોઈ નહિ ચાલે. તેમણે ભડ થઈને વીરગતિએ કદમ ઉઠાવવાં પડશે. રાજકોટને જ તેમણે અનુસરવું જોઈએ એમ નથી પણ સાચી અને મુદ્દાની સત્તાઓ પ્રજાની તરફેણમાં તેમણે છોડવી જ પડશે.

આ સિવાય, હું જાણું છું ત્યાં લગી, સ્થિતિને સાચવી લેવાનો અને ભારતવર્ષને ભયાનક ખૂનખરાબીમાંથી બચાવી લેવાનો બીજો કોઈ વચલો રસ્તો નથી. રાજાઓને લગતાં જે કાગળો મારી પાસે આવ્યા છે તે મારાથી છાપ્યા જાય એવા નથી. પણ આ વિષે મારે આગળ ઉપર વધુ કહેવા લખવાનું થશે. અત્યારની મારી શારીરિક નબળાઈની સ્થિતિમાં આ નિવેદન લખાવવું પણ પરિશ્રમરૂપ છે, છતાં લખાવી રહ્યો છું, કારણ અત્યારે જ્યારે મારામાં ઉપવાસની મનોદશા હજુ ચાલુ છે અને જેને હું આધ્યાત્મિક આનંદ કહું છું તે મારામાં ઊભરાઈ રહ્યો છે તેવી વેળાએ મારે મારા સારામાં સારા વિચારો આપી દેવા જોઈએ.

વળી ભાયાતોનો અને ગરાસિયાનો પ્રશ્ન છે. તેમણે તેમનો કેસ મને સમજાવ્યો. મેં તેમને મારી સહાનુભૂતિની ખાતરી આપી છે. તેઓ મને તેમનો મિત્ર ગણે અને મારા પર વિશ્વાસ રાખે. તેઓ પણ ગરાસિયા તથા ભાયાતો