આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
સત્યાગરહીની લાયકાત

હો તો તેને ઘટતી મર્યાદાઓ મુકાવી જોઈએ. સત્યાગ્રહમાં સંખ્યાને પ્રતિષ્ઠા નથી, ગુણની જ કિંમત અંકાય છે — જે વખતે હિંસાનાં બળો સર્વોપરી હોય ત્યારે વળી વધારે.

વળી એ પણ ઘણી વાર ભુલાઈ જાય છે કે સત્યાગ્રહીનો હેતુ બૂરાઈ કરનારને મૂંઝવવાનો કદી નથી હોતો. એના ભયને નહિ પણ એના જિગરને જ હંમેશાં જાગૃત કરવાનો એનો પ્રયત્ન હોય છે. સત્યાગ્રહી એ દુષ્ટને મજબૂર કરવા નહિ પણ એનો હૃદયપલટો કરવા જ હમેશાં ઇચ્છશે. સત્યાગ્રહીએ પોતાના તમામ આચારમાં કૃત્રિમતાને કાઢી નાંખવી રહી. એ હંમેશાં સ્વાભાવિકપણે અને અંતરના વિશ્વાસને આધારે જ વર્તશે.

આ વિચારસરણીને નજર આગળ રાખીને વાચક નીચલી લાયકાતો, જેને હું આ દેશના દરેક સત્યાગ્રહીને સારુ જરૂરી ગણું છું, તેને વિચારે અને અંતરમાં ઉતારે:

૧. ઈશ્વર ઉપર જ્વંલત શ્રદ્ધા; કારણ એ જ એકમાત્ર અતૂટ આધાર છે.
૨. તેને સત્ય અને અહિંસામાં ધર્મભાવે આસ્થા હોવી જોઈએ. અને તેથી મનુષ્યસ્વભાવના હાડમાં વસતી ભલાઈમાં તે માનતો હોવો જોઈએ. આ ભલાઈ તે સત્ય તેમ જ પ્રેમને રસ્તે જાતે દુઃખ ખમીને જાગૃત કરવાની તે હંમેશાં આશા રાખે.
૩. તે શુદ્ધ જીવન ગાળનારો હોય અને પોતાના કાર્યને અર્થે પોતાનાં જાનમાલ સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા હંમેશાં તૈયાર હોય.
૪. તે સતત ખાદીધારી તેમ જ કાંતનાર હોય. હિંદુસ્તાનને સારું આ બાબત અગત્યની છે.