આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરતાં શીખવે. દાખલા તરીકે, કોઈ રાજ્ય એકાદ સંઘ કે સંસ્થાને ગેરકાયદે જાહેર કરે. એ સ્થિતિમાં તેના સભ્યો કાં તો સજાની બીકે રાજ્યના હુકમને વશ થાય, અથવા તો સવિનય ભંગની ઘડી હજુ નથી આવી એમ માનતા હોવાથી સમજપૂર્વક તેવા મનાઈહુકમ પાળે. બીજા દાખલામાં તેઓ પોતાની શક્તિનો સંગ્રહ કર્યે જશે અને અહિંસક વિરોધનું બળ ખીલવ્યે જશે. વળી વ્યક્તિ તરીકે પોતાના સંઘ અગર સંસ્થાની સ્વતંત્ર પણ ગેરકાયદે ન ગણાય એવી પ્રવૃત્તિઓ તેઓ ચલાવ્યે જશે. પોતાની સંસ્થાને કાયદાની મંજૂરી અપાવાને સારુ પણ કાયદેસરની ચળવળ તેઓ ચાલુ રાખશે. અને સ્થાનિક કાયદાઓની ચાર દીવાલો વચ્ચે રહીને કામ કરવા છતાં પણ જે કાર્યકર્તાઓને પકડવામાં આવે કે બીજી રીતે રંજાડવામાં આવે, તો તે એમાં રહેલાં બધાં દુઃખો સ્વેચ્છાએ સહન કરશે. એવાં દુઃખ ખમતાં ખમતાં તે અંતરખોજ કરે, અને પોતાના દિલમાં જુલમ કરનાર પ્રત્યે દ્વેષ કે રોષ છે કે કેમ, પોતાની મુસીબત વચ્ચે એક પરમેશ્વર જ પોતાનો સાચો બેલી અને માર્ગદર્શક છે એમ પોતે અનુભવે છે કે કેમ, એ તપાસે. આવી તાલીમ જો તેઓ યોગ્ય રીતે અને ચીવટપૂર્વક લેશે તો તેમનામાં અહિંસક વિરોધની ઠંડી તાકાત ખીલી ઊઠશે, જે પોતે જ અમોઘ અને અજેય થઈ પડશે; અને તેથી પછી સવિનય ભંગના રૂપમાં સીધો પ્રયત્ન કદાચ સાવ બિનજરૂરી થઈ પડે.

મને ધાસ્તી છે કે, આ અગાઉની સવિનય ભંગની લડતો ઉપાડવાની બાબતમાં ઉતાવળ કર્યાના અને વધુપડતો વિશ્વાસ ધર્યાના આરોપને મારે કબૂલ રાખવો જોઈએ. દેશને નુકસાન