આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ભૂગોળની નજરે રાજકોટ હિંદુસ્તાનના નકશા ઉપર એક ઝીણું ટપકું માત્ર છે, પણ જે જાતના ક્ષોભ જોડે કામ લેવા હું ત્યાં પ્રેરાયો એ એક સાર્વત્રિક રોગનું લક્ષણ હતું. એ રોગને પ્રારંભમાં જ ડામવાનો રાજકોટમાં મારો પ્રયત્ન હતો. મારા અભિપ્રાય મુજબ એ પ્રયત્નનું અત્યાર લગીમાં જે કંઈ પરિણામ આવ્યું છે તેથી આખા હિન્દુસ્તાનને લાભ જ થયો છે. મને તો લાગે છે કે બચાવની તૈયારીમાં લગારે ગાબડું ન રહેવા દેવાની તકેદારી રાખનાર સેનાપતિના ડહાપણથી હું વર્ત્યો. ખેડા-ચંપારણની લડતો આના દાખલારૂપ છે, જ્યારે તે ચાલી ત્યારે આખા ભારતવર્ષનું ધ્યાન એ પર રોકાયું હતું, અને મારે પણ બધું ધ્યાન ત્યાં જ એકાગ્ર કરવું પડેલું. એકીવારે આખી રણભૂમિ ઉપર કામ કરવું પડે એવું તો જવલ્લે જ બને. આપણે લડાઈની તૈયારી અને ખરેખરી ઝપાઝપી વચ્ચેનો ભેદ ઓળખતાં શીખવું જોઈએ. ત્રિપુરીના મામલા તૈયારીની બાબત હતી, રાજકોટમાં પ્રત્યક્ષ ઝપાઝપી હતી.

અહિંસાના શસ્ત્રાગારમાં ઉપવાસ એ એક ચમત્કારી શસ્ત્ર છે. બહુ થોડા એને વીંઝી શકે છે એટલા સારુ એનો ઉપયોગ ત્યાજ્ય ઠરતો નથી. પરમેશ્વરે બક્ષેલી આ બુદ્ધિશક્તિ બીજામાં નથી અગર તો બધામાં તેમાંની કેટલીક નથી એટલા સારુ મારે તે હોવા છતાં ન વાપરવી, એ તો મૂર્ખાઈ ઠરે. કોઈની પાસે કશી ખાસ બુદ્ધિશક્તિ હોય અને તે તેનો ઉપયોગ પ્રજાસત્તાની સેવામાં આપે તો તેથી પ્રજાસત્તાના વિકાસ રૂંધાય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું તો માનું છું કે એથી ઊલટું એને ચેતના મળે છે; અને રાજકોટના ઉપવાસમાંથી બેશક એમ જ થયું છે. વળી અગાઉના ઉપવાસોથી પ્રજાને