આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

ભેદ ટાળી શકે છે. મારા વિરોધથી પણ સત્યાગ્રહી પાછો ન જ હઠે. મને ભલે અભિમાન હોય કે સત્યાગ્રહનું શાસ્ત્ર તો હું જ જાણું; પણ એ શાસ્ત્રના જ્ઞાનનો મને એકલાને ઇજારો નથી. એક ભાઈએ તેને વિષે પુસ્તક છપાવી સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે મારો સત્યાગ્રહ પ્રમાણમાં અશુદ્ધ છે, ને તે ભાઈએ પોતે યોજેલો શુદ્ધતમ છે. આ પુસ્તકનો પરિચય પણ કોઈ વેળા વાંચનારને કરાવવાની હું આશા રાખું છું. સત્યાગ્રહના ઉપયોગ વિશે ને તેની યોજના વિષે નવી શોધો થયા જ કરશે. જેને આત્મવિશ્વાસ હોય તેનો ઝંપલાવવાનો ધર્મ છે. એક જ નિયમમાં ફેરફાર નહિ થાય, કેમકે તેનો સમાવેશ સત્યાગ્રહની વ્યાખ્યામાં જ થઈ જાય છે : બીજાને દુઃખ દઈને નહિ, પણ પોતે દુઃખ સહન કરીને, સત્યાગ્રહી પોતે માનેલું સત્ય પ્રગટ કરે છે. એથી સત્યાગ્રહીની ભૂલોને સારુ મુખ્યપણે તેને પોતાને જ સોસવું પડે.

આટલી પ્રસ્તાવના કરી, સત્યાગ્રહી હોય તેને ઉત્તેજિત કરી, ગયા અઠવા઼ડિયાની પ્રતિજ્ઞા ઉપર હું આવું છું.

આખા ભારતવર્ષમાં, પણ વિશેષે કાઠિયાવાડમાં, હાલ મૌનનો કાળ આવ્યો છે. કાઠિયાવાડની ઉપર તો સદાયનો આરોપ છે જ કે આપણે બોલવે શૂરા, કરવે કાયર. બોલવાની છટા જોઈએ તો વાગ્દેવી પોતાનો કળશ જરૂર કાઠિયાવાડી ઉપર ઢોળે. આ હું દક્ષિણ આફ્રિકામાં પણ અનુભવતો. ત્યાંના કાઠિયાવાડી સાક્ષી પૂરશે જ. કોઈ કોઈ મારા જેવા કાર્ય કરવાવાળા અપવાદરૂપે નહોતા નીકળતા એમ કોઈ ન માને. પણ ભાષણ કરનારને તો વિધાતાએ કાઠિયાવાડમાં જ ઘડ્યા છે.