આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
કાઠિયાવાડ શું કરે ?


તેથી કાઠિયાવાડીએ હવે જીભને દાબડામાં બંધ કરીને રાખવાની જરૂર છે. કલમ ભલે કલમદાનમાં ચાલી જાય. પરિષદ ભરાય તો આવતા વર્ષનો ભાષણનો ક્રમ ઘડવા સારુ નહિ, પણ કાર્યનો ક્રમ ઘડવા સારુ. આપણે અનુભવે જોઈ લીધું છે કે પ્રજામાં જાગૃતિ ખૂબ છે, ને આપણે અવસરે હજારો માણસોને એકઠા કરી શકીએ છીએ. એ જ્ઞાનની જરૂર હતી. હવે હજારોને એકઠા કર્યા કરવાની જરૂર નથી. તેથી તો કાળનો ને દ્રવ્યનો નકામો વ્યય જ થાય છે.

કાઠિયાવાડની છવ્વીસ લાખની વસ્તીમાં કાર્ય કરવું સહેલું છે. ખાદીનું, શાળાનું, હરિજનનું, દારુ-અફીણ-નિષેધનું કામ આવશ્યક છે ને તુરત ફળ આપે તેમ છે. એક પણ માણસને ભૂખને લીધે કાઠિયાવાડ છોડવું પડે તો રાજા પ્રજા બન્નેએ શરમાવું જોઈએ. કાઠિયાવાડમાં શું નથી ? જમીન સુંદર છે, કુશળ ને તંદુરસ્ત સ્ત્રીપુરુષો છે. કાઠિયાવાડમાં જોઈએ તેટલો કપાસ થાય છે. વણકરોએ જ મને કહ્યું છે કે ઘણા વણકરોને ધંધાને અભાવે કાઠિયાવાડ છોડવું પડે છે. બે વર્ષ પહેલાં તેઓને ધંધો મળતો હતો; આજે તો વધારે મળવો જોઈએ. તેને બદલે ઓછો કેમ થયો ? આ પડતીને સારું કાઠિયાવાડના કાર્યવાહકો જવાબદાર નથી ? કાર્યવાહકો ભાષણનો ધંધો છોડી, રૂની ઉપર થતી બધી ક્રિયાઓનું જ્ઞાન મેળવી લે તો કાઠિયાવાડીઓની આર્થિક સ્થિતિ એક વર્ષની અંદર સુધારી મૂકે. તેઓ કાઠિયાવાડમાંથી પરદેશી કાપડ કે મિલના કાપડનો બહિષ્કાર કરે. મિલના કાપડથી ઘણાને પૈસો થોડાના હાથમાં જાય છે. જ્યારે લોહીનો ભરાવો કેવળ મગજમાં થઈ જાય ત્યારે દરદીને ધનુર્વા થયો ગણાય છે. તેને બચવું મુશ્કેલ