આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૬૯
હૃદયમંથન

તા. ૨૩મી એપ્રિલે રાજકોટથી ઊપડતા પહેલાં, ગઈ વેળાની જેમ ગાંધીજીએ પરિષદના કાર્યકર્તાઓને ભેળા કરી પોતાનું હૈયું તેમની આગળ ઠાલવ્યું. અઢી કલાક જેટલી ચાલેલી આ વાતચીતમાં પોતે કાર્યકર્તાઓ તરફથી કેવી આશાઅપેક્ષાઓ બાંધેલી છે એ તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું. તેનો સાર નીચે પ્રમાણે:

છેલ્લા ૧૫ દિવસથી હું રાજકોટનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા મહેનત કરી રહ્યો છું. ૧૫ દિવસની આ તનતોડ મહેનતનું સરવૈયું કાઢું તો પરિણામ કદાચ મીંડું જ નીકળે ! સ્થૂલ પરિણામ જોતાં કદાચ એક ડગલું પણ પ્રગતિ આ બાબતમાં નથી થઈ એમ કહું તો ચાલે. છતાં જે કામ ઉપાડ્યું હતું તે તો કરી જ છૂટવાનું હતું. અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ મહેનત એળે નથી ગઈ.

આખરે મુસલમાન ભાઈઓ સાથે સમાધાની ન થઈ શકી એ વાતનું મને વિશેષ દુઃખ છે. આ બાબતમાં મને ભારે આશા બંધાઈ હતી. પણ જ્યારે વિધિ વિપરીત હોય છે ત્યારે બધા પાસા અવળા જ પડે છે. સર મૉરીસ ગ્વાયરના ચુકાદા પ્રમાણે સમિતિ પણ નથી થવા પામી. આવી પરિસ્થિતિમાં મારે અહીંથી જવું પડે છે.

ઠાકોર સાહેબે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવવા વિષે વડી સરકારે આપેલી ખોળાધરી પ્રમાણે અમલ કરાવવા ખાતર હું