આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
નવો પ્રયોગ

શ્રીગણેશાયથી શરૂઆત કરવી, એવી ગાંઠ મેં નથી વાળી. એમ થાય ત્યારે તો પછી મારો સત્યાગ્રહ એકલા રાજ્યની સામે જ ચાલે, અને રાજકોટ રાજ્યના અધિકારીઓનું હૃદયપરિવર્તન કરવાના પ્રયત્નમાં જ મારે મારી જાતને હોમવી રહે. પછી તો મારા તમામ પ્રયોગ રાજકોટની અવનવી પ્રયોગશાળામાં જ મર્યાદિત થઈ જાય. અહિંંસાની દૃષ્ટિએ એમાં વધુ સંપૂર્ણતા આવે. મારા અંતરની આ દુવિધા — કદાચ કાયરતા — ની પાછળ મારી અહિંસામાં કશાકની ઊણપ છે એમ માનું છું.

મહાસભાના સડાની વાત લો. મહાસભામાં આટલો બધો સડો કાં ? આટલે લગી સડો હોય ત્યાં પછી આપણે મહાસભાવાદી કેવા ? તમારામાંના કેટલાક ‘ગાંધીવાદી’ ગણાઓ છો. ગાંધીવાદી એ તો ધૂળ જેવું નામ છે. તેના કરતાં આપણે ‘અહિંંસાવાદી’ કાં ન કહેવાઈએ ? ગાંધી ભલાઈબૂરાઈ, બળ-દુર્બળતા, અહિંસા-હિંસાનું મિશ્રણ છે, પણ અહિંસામાં તો કશી જ ભેળસેળ નથી. હવે ‘અહિંસાવાદી’ તરીકે શું આપણે સૌ કહી શકીએ ખરા કે આપણે શુદ્ધ અહિંસા આચરીએ છીએ ? શું આપણે કહી શકીએ કે વિરોધીઓનાં બાણ કશો જવાબ વાળ્યા વિના ખુલ્લી છાતીએ ઝીલીએ છીએ ? શું કહી શકીએ ખરા કે એની ટીકાથી આપણે રોષે નથી ભરાતા, બેચેન નથી થતા ? મને ધાસ્તી છે કે આપણામાંના ઘણા આનો જવાબ હકારમાં નહિ આપી શકે.

તમે કહેશો, ‘આટલે લગીની અહિંસાનું આચરણ તમે કેદહાડે માગ્યું હતું?’ તેમ હોય તો મારે કબૂલ કરવું રહ્યું છે કે મારા અહિંસાના અમલમાં તેટલે અંશે ખામી હતી.