આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

અહિંંસા પોતાના દોષોને પહાડ જેવડા અને વિરોધીના દોષ રાઈના દાણા જેવડા કરીને જુએ. પોતાની આંખમાંનું કણું સાંબેલું કરીને જુએ અને સામાની આંખમાંનું સાંબેલું કણું કરીને ભાળે. આપણે આનાથી ઊલટા વર્ત્યા છીએ. દેશી રાજ્યોના પ્રશ્નમાં આપણે તેમનાં તંત્રોમાં સુધારા ઇચ્છ્યા છે; તેમના રાજ્યકર્તાઓનો હૃદયપલટો માગ્યો છે; તેમના નાશની વાંછના નથી કરી. પણ આપણાં વયનોએ આપણી મનસાને જૂઠી પાડી છે.

રાજકોટ વિષે મેં કરેલા નિવેદન છતાં હું તમને ખાતરી આપી દઉં કે રાજકોટને હું છેહ દઉં એમ નથી. મારા સાથીઓને મારાથી અંતરિયાળ કેમ છોડાય ? તેમનો નૈતિક અધઃપાત મારાથી શે સંખાય ? મારે હાથે એવું થાય તો મને સાચે જ બુઢાપાએ ઘેર્યો ગણાય. પણ હું એવો અપંગ થયો હોઉં એમ મને જણાતું નથી. ઊલટું, ત્યાંના કાર્યકર્તાઓનાં તેજોબળ પ્રતિદિન વૃદ્ધિ પામે એવી જ પ્રાર્થના મારા અંતરમાં હંમેશ ચાલ્યા કરે છે. હું તો માત્ર સાધનશુદ્ધિની દૃષ્ટિએ પ્રયોગમાં આકરા ફેરફારની હિમાયત કરી રહ્યો છું.

હરિજનબંધુ, ૧૪–૫–૧૯૩૯