આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

અને સ્વરાજ સ્થાપવાની તેનામાં તૈયારી હોત, તો એની સિદ્ધિમાં કોઈ પણ અંતરાય એમને રોકી શકત નહિ.

એમ કહેવું અગર માનવું સાવ ભૂલભરેલું છે કે, મારે હાથે થઈ તે ભૂલ ન થઈ હોત તો રાજકોટની પ્રજા તેણે માગ્યું હતું તે લઈને બેસી ગઈ હોત. મારી ભૂલનો એકરાર જગજાહેર થઈ ચૂક્યો છે. પણ એટલા સારુ રાજ્યની પેલી જાણીતી જાહેરાતની નિષ્ફળતા એ ભૂલને માથે ઓઢાડ્યે નહિ ચાલે. મેં ‘ઘાણ બગાડ્યો’ તેથી બધો ગોટાળો વળ્યો અને લોકો નાસીપાસ થઈ ગયા, એમ કહેવું વાહિયાત છે. સત્યાગ્રહમાં નાસીપાસી જેવી વસ્તુ જ નથી. જે સાચા, અહિંસાપરાયણ અને શૂરા છે તેમનાં સચ્ચાઈ, નિષ્ઠા અને શૂરાતન તેમનો આગેવાન બેવકૂફ નીવડે તેની સાથે આથમી જતાં નથી. હા, એ ગુણોનો અવસર પૂરતો સ્વાંગ માત્ર ધર્યો હોય અને એરણ ઉપર ચડતાં તે ફટકિયાં નીવડે તો ભંગાણ પડે, બલ્કે ફજેતી થાય. પણ જે લોકો સ્વભાવે જ બળવાન છે તે તો નબળા આગેવાનને કોરે મૂકે, અને જાણે પોતાને આગેવાનની કદી જરૂર જ નહોતી એમ કામ આગળ ચલાવે. ને આગેવાનની જરૂર જ જણાય તો ચટ દઇ ને એકાદ વધુ સારો આગેવાન ગોતીને ચૂંટી લે.

દેશી રાજ્યોના કાર્યકર્તાઓને રાજકોટના કિસ્સામાંથી કશું શીખવા જેવું લાગે તો જ તેમણે તેને સમજવા યત્ન કરવો જોઈએ. જો એમને એ બહુ ગૂંચવાડાભર્યો લાગે તો તેને પડતો મૂકી, જાણે તે બન્યો જ ન હોય તેવી વૃત્તિથી આગળ જવું જોઈએ. રાજકોટના મામલામાં મેં કામ ‘વણસાડ્યું’ તે અગાઉ રાજાઓ ધ્રૂજી રહ્યા હતા અને પોતપોતાની પ્રજાને