આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭
કેટલે સુધી?

રાજ્યની લગામ સોંપી દઈને માળા ફેરવતા બેસવાના હતા, એમ માનવું એ ભીંત ભૂલ્યા બરોબર છે. હું રાજકોટ ગયો પણ નહોતો ત્યારથી તેઓ જો કશું કરી રહ્યા હતા તો તે એટલું જ કે, તેમની કલ્પના મુજબ તેમની ખુદ હસ્તીને પણ જોખમમાં મૂકનારી આ નવી આફતને કઈ રીતે પહોંચી વળવું તેની તેઓ આપસમાં વેતરણ કરી રહ્યા હતા. લીંબડીએ કર્યું તે આપણે જોયું. મુસલમાનોને, ગરાસિયાને, બલ્કે હરિજનોને પણ મહાસભાની સામે સંગઠિત કરવાની વાતો ચાલી જ રહી હતી. મારા પગલાથી આપણા અંગનો એ મેલ ઉપર તરી આવ્યો અને આપણને એનું સ્પષ્ટ દર્શન થયું. રોગનું સાચું નિદાન પોણા ભાગના ઇલાજ જેટલું ગુણકારી મનાયું છે. આજે કાર્યકર્તાઓ એ અળખામણા સંગઠનનો સામનો કઈ રીતે કરાય એનો ઇલાજ શોધી શકે એવી સ્થિતિમાં આવ્યા છે. મહાસભાવાદીઓએ અથવા સત્યાગ્રહીઓએ તેમની સામે મંડાયેલાં બળો ઉપર કાબૂ મેળવવાની જરૂરિયાત આથી ફરી એક વાર સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ છે. તેમને તો પ્રજાને સારુ તેટલી જ મુસ્લિમ, ગરાસિયા, હરિજનો, બલ્કે ખુદ રાજાઓને સારુ પણ સ્વતંત્રતા જોઈએ છે. સત્યાગ્રહીઓએ શાંત દલીલોથી તેમ જ પોતાના વર્તનથી બતાવી આપવું રહ્યું છે કે, રાજાઓથી હવે કાયમને સારુ આપખુદ રહેવાય એમ નથી અને પ્રજાના માલિક મટીને વાલી બનવું એ એમના પોતાના હિતની વાત છે. બીજા શબ્દોમાં કહું તો, રાજકોટમાં મારી ભૂલ સુધારી લઈ ને મેં સત્યાગ્રહીઓને સાચો માર્ગ બતાવવા ઉપરાંત કશું કર્યું નથી. એ માર્ગ અનુસરવામાં કદાચ તેમના ધ્યેયને વહેલા પહોંચવાની ગણતરીએ તેમને આ ઘડીએ તેમની તાત્કાળિક