આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

મટતું કે મોળું ઠરતું નથી.’ લખાણનો સાર મેં યાદદાસ્ત ઉપરથી આપ્યો છે. આ લખાણ મેં વાંચ્યું તેવું જ તેની દલીલમાં રહેલું વજૂદ હું જોઈ શક્યો. આખી લડતની મારી કલ્પના તો જોકે શુદ્ધ અહિંસક પ્રતિકારની હતી, છતાં આજે જ્યારે એ દિવસોના બનાવો યાદ કરું છું ત્યારે જોઉં છું કે લડનારાઓ હિંસારહિત નહોતા. મારે કબૂલ કરવું જોઈએ કે જો મારી સ્થિતિ અહિંસાના સૂર જોડે સાવ એકતાન બની ગયેલી હોત તો અણીશુદ્ધ અહિંસા જોડે સહેજમાં સહેજ બસૂરો સૂર પણ મારા કાનને કડવો લાગત અને મને અકળાવત.

મને લાગે છેં કે હિંદુ-મુસ્લિમે એકજીવ થઈને તે કાળે જે મારચો માંડ્યો તેણે ઘણાનાં હૈયાંમાં લપાઈ ને પડેલી હિંસા પ્રત્યે મને આંધળો બનાવ્યો. અંગ્રેજો પાકા મુત્સદ્દીઓની તેમ જ રાજ્યશાસકોની પ્રજા છે. ગમ ખાય અને ઓછામાં ઓછો સામનો કરવાને ધોરણે ચાલે. તેથી જ્યારે તેમણે જોયું કે એક મહામોટી સંસ્થાને સિતમનાં ચક્રો ચાલુ કરી કચડી નાખવા કરતાં તેની જોડે સમજૂતીને ધોરણે કામ લેવામાં વધુ લાભ છે ત્યારે તેમણે જરૂર લાગી તેટલું નમતું તોળ્યું. બાકી એટલું તો હું દૃઢપણે માનું જ છું કે આપણી લડત મનસા વાચા નહિ તોયે કર્મે કરીને તો મોટે ભાગે અહિંસક હતી જ, અને ભાવિ ઇતિહાસકાર તેને અહિંસક તરીકે જ સ્વીકારશે. પણ સત્ય અહિંસાના શોધક તરીકે મનની નિષ્ઠા વિનાના એકલા કાર્યથી મને સંતોષ ન થવો જોઈએ. મારે તો પોકારીને કહેવું રહ્યું કે, તે કાળની અહિંસા મેં કરેલી વ્યાખ્યા મુજબની અહિંસાના કરતાં બહુ ઊતરતી પંક્તિની હતી.