આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

શકે. હજીયે પ્રજાને કે રાજાઓને કોઈને સારુ વેળા વહી ગઈ નથી.

અહીં ચક્રવર્તી સત્તાનો પણ ઉલ્લેખ કરવાનું મારે ચૂકવું ન જોઈએ. રાજાઓ પોતાની પ્રજાઓને તેમને ઠીક લાગે તેવા સુધારાઓ આપવાને મુખત્યાર છે, એ મતલબની ચક્રવર્તી સત્તાએ કરેલી જાહેરાતનો કેમ જાણે તેને પસ્તાવો થઈ રહ્યો હોય એવાં લક્ષણ દેખાય છે. એવી વાતોના ભણકારા આવે છે કે જાણે ચક્રવર્તી સત્તા કહેતી હોય કે રાજાઓએ એ જાહેરાતનો અક્ષરશઃ અમલ કરવાની જરૂર નથી. એ જગજાહેર વાત છે કે, જેનાથી ચક્રવર્તી સત્તાની ખફામરજી થાય એમ હોય એવો અંદેશો પણ મનમાં ડોકાય એવું કોઈ પણ કામ કરવાનું સાહસ કરવાની રાજાઓની સ્થિતિ નથી. જેમને તેઓ મળે હળે નહિ એમ ચક્રવર્તી સત્તા ઇચ્છે તેમને રાજાઓ મળે પણ નહિ. આવડી સર્વગ્રાસી અસર રાજાઓ ઉપર ચક્રવર્તી સત્તા ચલાવતી હોય ત્યાં પછી આજે ઘણાં રાજ્યોમાં વર્તી રહેલી નિર્ભેળ આપખુદીને સારુ ચક્રર્વતી સત્તાને જવાબદાર ગણવી એ સાવ સ્વાભાવિક છે.

તેથી, આ દુર્ભાગી દેશમાં જો કદી હિંસા ફાટી જ નીકળવાની હશે, તો તેની જવાબદારી ચક્રવર્તી સત્તાને શિરે, રાજાઓને શિરે, અને સૌની ઉપરાંત મહાસભાવાદીઓને શિરે રહેશે. પહેલાં બેએ તો અહિંસક હોવાના દાવો કદી કર્યો જ નથી. તેમની સત્તા તો ખુલ્લી રીતે હિંસામાંથી આવેલી અને હિંસાબળ ઉપર અધિષ્ઠિત છે. પણ મહાસભાએ તો છેક ૧૯૨૦ની સાલથી માંડીને અહિંસાને પોતાની નિશ્ચિત નીતિ તરીકે સ્વીકારી છે, ને તેને વફાદાર રહેવા તે હંમેશાં પ્રયત્ન