આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૯
લીંબડી વિષે

જોતાં લૂંટવામાં જ આવ્યાં. બીજો કોઈ શબ્દ એને સારુ હું વાપરી શકું એમ નથી. હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ જાતના નામના કાયદેસર વિધિ પણ આ બાબતમાં કરવામાં આવ્યા નહોતા. જુલમનીતિ ચલાવનારની મરજી એ જ સર્વોપરી કાયદો હતો. આની પાછળ લોકોને થથરાવીને જેર કરવાની જ કલ્પના રહેલી હતી. આ સ્થિતિમાં કેટલાક ઢીલા પડ્યા એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. લડતનું સંચાલન કરનારાઓને મારી સલાહ છે કે આવા ઢીલા પડેલા લોકોને રાજ્યને શરણ થતા અટકાવવાનો પ્રયાસ તેઓ ન કરે. તેમને તો એટલું ભલે સમજાવી દે કે એવી રીતે મીણો ભણીને રાજ્યને શરણ થયા પછી પણ તેમના શા હાલ થવાની વકી છે. પણ સમાજમાં એવા લોકો હોય છે જે પોતાનાં માલમિલકતને પોતાની ઇજ્જત કરતાં વધુ વહાલાં ગણે. આવા લોકો કોઈ પણ સ્વાતંત્ર્યની હિલચાલને કેવળ બોજારૂપ હોય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ તો એવા વીરલાથી જ થાય જે શૂરા અને ત્યાગી છે અને જેઓ ઇજ્જતને ખાતર પોતાનું સર્વસ્વ હોમવાને હરહમેશ તૈયાર છે. જેઓ બલિદાનની કિંમત અને અગત્ય સમજનારા છે તેઓ થોડા હોય કે ઝાઝા, પણ તેઓ તો જેમ જેમ કુરબાનીઓ આપવી પડે તેમ તેમ આનંદથી નાચે કે લીંબડીમાંનાં તેમનાં માલિમલકત લૂંટાઈ ગયાં. તેમણે અધ્ધર સ્થિતિમાં અથવા તો તત્કાળ સમાધાન થવાની આશામાં ન જ રહેવું જોઈએ. તેઓ રાજ્ય બહાર રહી ઇજ્જતના ધંધારોજગાર કરે, અને હંમેશાં દૃઢ શ્રદ્ધા રાખે કે એક દિવસ એવો ઊગ્યે જ છૂટકો છે કે જ્યારે લીંબડીની પ્રજા પોતાનું ખોયેલું પાછું મેળવશે. એવો દિવસ આવશે