આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

જે વસ્તુ અતિ આવશ્યક અને ધરમૂળની છે તે કરવામાં તેમને શી રોકાણ થાય છે ?”

પેલા ભાઈઓ કહે : “તેઓ તો અમુક વસ્તુઓ કરવા માગે છે, પણ તેમને એક બાજુથી ચક્રવર્તી સત્તાનો ડર ને બીજી બાજુથી પોતાની પ્રજાનો ડર છે. એમનાં મનમાં કાંઈક એવો ડર પેસી ગયો છે કે લોકો એમના પર જૂનાં વેર વાળ્યા વિના નહિ રહે.”

“એમના બંને ડર પાયા વિનાના છે. તેઓ જો ન્યાયથી વર્તે તો લોકો જૂનાં વેર વાળવા માગે એ મારા માન્યામાં આવતું જ નથી. આપણા લોકો કીનાખોર સ્વભાવના નથી. ઔંધના રાજાને તેમના રાજ્યમાં બળવો થવાની બીક છે ખરી કે? નથી, કેમકે રાજાએ પોતાની લગભગ બધી સત્તા છોડી દીધી છે એમ જાણ્યા પછી લોકો કોની સામે બળવો કરવાના? બળવો કરવા માગે જ તો રાજા તેમને કહી શકે છે કે, ‘આવો, ને મારા મહેલનો કબજો લઈ લો; હું તો ગરીબમાં ગરીબની ઝૂંપડીમાં જઈ ને સંતોષથી રહીશ.’ ઔંધના રાજાના દીકરા આપ્પાસાહેબ રાજ્યનો કોઈ નોકર નહીં ઉઠાવતો હોય એટલી જહેમત લોકોને સારુ ઉઠાવે છે.

“પણ ખરી વાત એ છે કે રાજાઓની દાનત સાફ છે એવી પ્રજાના મનની પાકી ખાતરી થવી જોઈએ. રાજાઓએ એ વસ્તુ કરવી આવશ્યક છે. એક તો એ કે તેઓ પોતાનાં જીવન વિશુદ્ધ કરે ને પોતાની રહેણી સાદામાં સાદી કરી નાંખે. તે પોતાના મોજશોખ પાછળ અઢળક ધન ખરચે છે તેનો તો કોઈ બચાવ જ નથી. હજારો પ્રજાજનોને એક ટંક પેટપૂર અન્ન ન મળતું હોય એવે વખતે પ્રજાના પૈસા મોજશોખ ને