આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

નરી આપખુદીની તાબેદારીમાં જેમને રહેવું પડે છે તે અભાગી પ્રજા બેમાંથી એકેને ભૂષણરૂપ નથી. પોતાના માનવી તરીકેના ગૌરવનું જેને ભાન હોય એવા કોઈ પણ માણસના હાથમાં જે સત્તા ન રહેવી ધટે તે સત્તા રાજાઓ પોતાના હાથમાં રાખે છે તેમાં તેમની શોભા નથી. જે પ્રજા પોતાની મનુષ્ય તરીકેની પ્રાથમિક સ્વતંત્રતા ઉપર આમ તરાપ વાગતી મૂંગે મોઢે સહેતી આવી છે તેની પણ એમાં શોભા નથી. અને હિંદમાં અંગ્રેજી રાજ્ય ઉપર એ મોટામાં મોટું કલંક છે. એમ કદાચ કહી શકાય. પણ આપણે હજી આ ઘટનાઓની એટલા નજીક છીએ કે ‘રાજાઓનું હિંદ’ અથવા ‘હિંદી હિંદ’ એ નામથી સૂચવાતા વિભાગની રચના કેવા ખોખાટા પાયા પર થઈ છે તે આપણે સમજી શકતા નથી. એ તંત્ર તેના પોતાના જ અસહ્ય ભારથી ભાંગીને ભૂકા થઈ જશે. મારે નમ્ર અહિંસક પ્રયત્ન એ ત્રણે પક્ષને આ ત્રિવિધ પાપનું પ્રક્ષાલન કરવા સમજાવવાનો છે. એમાંનો એક પક્ષ પણ નિશ્ચયાત્મક પગલું ભરી શકે છે; તેની અસર બીજા બધાની ઉપર પડશે. પણ જો ત્રણે પક્ષ સામટા આ પાપની ભીષણતા સમજે અને સંયુક્ત પ્રયત્ન વડે તેને ધોઈ કાઢે તો એ એક ભવ્ય વસ્તુ થઈ જશે.

સેવાગ્રામ, ૨૩–૨–૪૧