આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૨
શી આશાએ?

મારા બીજા વ્યવસાયોમાં મે કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રમુખપણું સ્વીકાર્યું છે તે નાનીમોટી આશાઓ સિવાય નહિ સ્વીકાર્યું હોય, એમ વાંચનાર માની જ લેશે.

કાઠિયાવાડમાં ડૂબકી મારી જવાની લાલચ તો હંમેશાં હોય જ. પણ તે ઇચ્છા તો હું બીજી વેળાએ તે પ્રમુખપદનો ભાર ઉપાડ્ચા વિના પાર પાડી શકત. મારી આશા તો એ છે કે કાઠિયાવાડ ઉપર ખાદી પરત્વે બેદરકારીનું જે તહોમત છે તે તહોમતમાંથી તે મુક્તિ મેળવે. મારી પાસે આવેલા ભાઈઓએ મને ખાતરી આપી છે કે સોનગઢમાં હું કેવળ ખાદીનગર જોઈશ ને પરિષદમાં આવનારા હજારો તો ખાદી પહેરીને જ આવશે.

જે કંઈ મળે તે લાભ જ છે એમ સમજી આટલાનો સ્વીકાર કરીશ. પણ જે જવાબ તિલક મહારાજે મરહૂમ મિ૦ મૉન્ટેગ્યુને આપ્યો હતો તેવી જાતના ઉદ્‌ગાર અહીં કાઢું: ‘જે મળશે તે સ્વીકારી વધારે માટે લડીશ.’ કાઠિયાવાડમાં જે રૂ પાકે તે બહાર જાય ને તે રૂનાં કપડાં આવે તે કાઠિયાવાડ પહેરે, એ હંમેશાં અસહ્ય વસ્તુ ગણાય; પણ જેમ રૂ બહાર જાય તેમ કાઠિયાવાડની પ્રજા પણ આજીવિકાને અભાવે બહાર જાય, એ કેમ જોયું જાય ?