આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
શી આશાએ?

 કાઠિયાવાડના વણકરોને ધંધો ન મળે, કાઠિયાવાડની ગરીબ બહેનોને કંતામણને અભાવે દુઃખી થવું પડે, એ કેવો અન્યાય ! આમાં હું રાજા પ્રજા બન્નેનો દોષ જોઉં છું. રાજાઓ ઇચ્છે તો પોતાના પ્રદેશમાં પાકતા રૂનો ઉપયોગ ત્યાં જ કરાવી હાથકંતામણની ને તેને લગતી અનેક કારીગરીઓનો પુનરુદ્ધાર કરાવે.

કાઠિયાવાડના કસબી વણકરોને મેં પોરબંદરમાં ક્યાં નહોતા જોયા? તેઓનો ધંધો હાલ લગભગ નાબૂદ થયા છે. કાઠિયાવાડી અતલસ અને અમદાવાદી અતલસ વચ્ચે હરીફાઈ થતી તે તેમાં કાઠિયાવાડ ચડી જતું, એ મારા જમાનાની વાત. કાઠિયાવાડના ખત્રીઓને હવેલીમાં પણ બાંધણીનું કામ સાથે લાવતા ને પોતાના વખતનો સદુપયાગ કરતા મેં નજરે જોયા છે. તેઓ અત્યારે ત્યાં છે? કાઠિયાવાડનાં શેલાં પ્રખ્યાતિ પામ્યાં હતાં. તેને વણનારા મેં જોયા છે. તે આજે ક્યાં છે? કાઠિયાવાડના રંગારાઓને રાજકોટના પરામાં ચાળીસ વર્ષ પહેલાં જોતો, ને ‘મને એવા રંગનો ફેંટો બાપુ અપાવે તો કેવું સારું’ એ મારી બાળપણની નિર્દોષ ઇચ્છા મને હજુ યાદ છે. એ રંગારા આજ કોણ જાણે ક્યાં હશે?

હાથકંતામણનો લોપ થતાં તેને અંગે ચાલતા બીજા કેટલા ધંધાઓનો લોપ થયો છે એ કોણ જાણે છે? એ કોણ ગણાવી શકે એમ છે? કંતામણના લોપની સાથે જ કળાનો લોપ થયો છે એનું આપણને ક્યાં ભાન છે? એ કળા જતાં કરોડો ખેડૂતોના ઘરનું તેજ ગયું છે એ વિચાર સરખોયે આપણે શહેરનિવાસીઓ ક્યાં કરીએ છીએ? રેંટિયામાં જે બરકત હતી તે રેંટિયાની સાથે ગઈ. જે ઘરમાં તેને ફરી