આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

અર્થ નીકળે તોપણ એ અયોગ્ય ગણાય. રખેને એવો અનર્થ થાય એ ભય પણ મને અત્યારે આ પદ સ્વીકારતાં રહ્યો છે.

તેથી મારે આટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે, દેશી રાજ્યો વિષેના મારા વિચારોને મહાસભાના સભાના વિચારો સાથે કશો સંબંધ નથી. મારા વિચારો તદ્દન સ્વતંત્ર છે; તેને મહાસભાની મહોર નથી મળી.

જો આ પરિષદના પ્રમુખ તરીકે મને લાયક ગણવામાં આવ્યો છે તો મારે હિસાબે તેનું કારણ તો એ છે કે, હું કાઠિયાવાડનો વતની છું ને આ પરિષદના સંચાલકોની સાથે મારે ગાઢ સંબંધ છે. મહાસભાનું સુકાન અત્યારે મારા હાથમાં છે એ તો એક અકસ્માત છે.

વિષયનો આરંભ કરું તે પહેલાં ભાઈ મનસુખલાલના સ્વર્ગવાસની નોંધ મારે લેવી પડે છે. તેમની સાથેના મારો સબંધ તમે સૌ જાણો છો. અત્યારે તેમની ગેરહાજરી તમને સાલે એ નવાઈ નથી; પણ મને બહુ સાલે છે એ હું છુપાવી શકતો નથી. કવિશ્રી શંકર રત્નજી ભટ્ટનો સ્વર્ગવાસ પણ તમને ને મને એટલો જ દુઃખદ હશે. તેમનો પરિચય મને બહુ થોડો હતો. તેમની મદદ અત્યારે આપણને નથી એ પણ જેવીતેવી ખોટ નથી. ઈશ્વર બન્નેનાં કુટુંબને ધીરજ ને શાંતિ બક્ષો, અને આપણે તેમના દુઃખના ભાગીદાર છીએ એ વાત તેમનું દુઃખ હળવું કરો.

મહાસભા અને દેશી રાજ્યો

મેં અનેક વેળાએ જાહેર કર્યું છે કે મહાસભાએ દેશી રાજ્યોને લગતા પ્રશ્નોથી સામાન્ય રીતે અલગ રહેવું જોઈએ. બ્રિટિશ હિન્દુસ્તાનની પ્રજા પોતે સ્વતંત્રતા મેળવવા મથી