આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

છીએ. આ વ્યસનવાળા મનુષ્યોની સ્થિતિ આપણને કમમાટી ઉપજાવે છે. એવી વસ્તુઓનો વેપાર કરવો પાપ છે એ સ્વયંસિદ્ધ વાત છે. દેશી રાજ્યેાએ દારૂનાં પીઠાં માત્ર બંધ કરી અંગ્રેજી રાજ્યાધિકારીઓને સારુ દૃષ્ટાંતરૂપ બનવું ઘટે છે. કોઈ કોઈ જગ્યાએ કાઠિવાડમાં આ સુધારા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તેને હું વધાવી લઉં છું ને ઉમેદ રાખું છું કે દારૂનું એક પણ પીઠું નહિ હોય એવો દિવસ તુરત આવશે.

અંગત

કેટલાંક રાજ્યો વિષે મારી પાસે અંગત ટીકા આવ્યા કરે છે. એના ઉલ્લેખ હું અહીં કરવા નથી ઇચ્છતો. મને એ વિષે ‘યંગ ઇંડિયા’ તેમજ ‘નવજીવન’માં લખવાનું બહુ કહેવામાં આવ્યું છે, પણ સંપૂર્ણ હકીકત જાણ્યા વિના અને બની શકે તો તે તે રાજ્ય તરફથી જે કહેવાનું હોય તે સાંભળ્યા વિના મૌન જ ધારણ કરવાનું મેં ઉચિત ધાર્યું છે. વિષયવિચારિણી સભામાં હું એ આક્ષેપો વિષે માહિતી મેળવવાની આશા રાખીશ, ને પછી જો મારે કંઈ પણ કરવું કે કહેવું ઘટશે તો હું અવશ્ય કરીશ કે કહીશ.

રેંટિયો ને ખાદી

બે વિષયો એવા છે કે જેમાં દેશી રાજ્યો તરફથી સંપૂર્ણ ઉત્તેજનની ઉમેદ રાખી શકાય. આ દેશની આર્થિક નીતિ એ હતી કે આપણે આપણું અનાજ પેદા કરતા ને ખાતા, તથા કપાસ પેદા કરી તેનું સૂતર આ ઘરમાં કાંતી તેનાં કપડાં વણાવી પહેરતા. આમાંની એક સ્થિતિ મોજૂદ છે ને બીજીનો લગભગ નાશ થયો છે. મનુષ્ય જેટલું ખોરાકમાં ખરચે છે