આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

છે કે તું તણખલું હલાવ, અગ્નિને કહેવામાં આવે છે કે તું તણખલું બાળ, પણ ‘ન બને’ કહી વાયુરાજ અને અગ્નિ નાસે છે. એવી વાત છે. પ્રભુ ન ઇચ્છે કે મારે મરવું, તો મને કોણ મારી શકે એમ છે? મારું આવરદા આવી રહ્યું હશે તો તો આમ બોલતો હોઉં, સુખમાં બેઠો હોઉં, તેવી વેળા પણ પ્રાણ કોઈ ન જાણે તેમ ઊડી જાય, અને તેને કોઈ રોકી શકવાનું નથી. પણ મે કાંઈક વ્યવહારનો અનુભવ લીધેલો છે, કાંઈક જ્ઞાન મેળવેલું છે, એટલે તમને વિનંતિ કરું છું કે મારી વાત માનજો ને નારણદાસ ઉપર દયા કરો. મારે માટે હું તમારી પાસેથી દયા નથી માગતો, દયા તો હું ઈશ્વર પાસેથી જ માગું છું, પણ તમારી પાસેથી હું સાચા સૈનિકની પ્રતિજ્ઞા માગું છું. અને તમને કહું છું કે તમે પ્રતિજ્ઞા લો તો તે તમારે પાળવી જ પડશે. વગરવિચારે પ્રતિજ્ઞા લેશો તો હું બહુ ભારે પડીશ. પણ તમારી પાસે લીધેલી પ્રતિજ્ઞા હું તો પળાવીશ, એટલે કાલે જોઈ વિચારી ચેતીને અહીં આવજો.

તમારી ૩૦ મિનિટ લેવી હતી, પણ મેં ૩૫ મિનિટ લીધી છે; એ પાંચ મિનિટનો મને અધિકાર નહોતો, પણ ભંગીને અર્થે તમે મને એ છૂટ આપી છે અને તમારી પાસે મેં લીધી છે.


ઉપસંહારનું ભાષણ

જ્યારે જ્યારે હું કાઠિયાવાડમાં આવ્યો છું ત્યારે ત્યારે મારા પ્રત્યે અપૂર્વ પ્રેમનો મેં અનુભવ કર્યો છે. એ જ પ્રેમનો