આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ખાનગી કડવી ટીકાથી તમારા જ કામમાં વિઘ્ન ન નાંખશો. જાહેર ટીકા કરીને રાજ્યકર્તાઓને ચીડવશો નહિં, કારણ તે રાજા છે, અમલવાળા છે, અને અમલ આંધળો છે. રામચંદ્રજી કાંઈ જુગે જુગે થયા છે? ઉમર જેવા ખલીફ કાંઈ જુગે જુગે થાય? ઇસ્લામની પૂરેપૂરી જાહોજલાલીવાળા ચાર ખલીફાઓની કારકિર્દી ત્રીસ વર્ષમાં પૂરી થઈ, તે પછી જેટલા ખલીફા થયા તેમાંથી કોઈ પેલા ચારને અડે એવા નહોતા. એ જગતનો ન્યાય છે. રત્નો જ્યાં જોઈએ ત્યાં પાકતાં નથી. ખાણને ઊંડે ખોદીએ ત્યારે કોક જગ્યાએ તે જડે છે. આ કારણે રાજા જ્યારે ચિડાય, ક્રોધ કરે, ત્યારે તે બેવકૂફ છે એમ હું ન માનું. ક્રોધ મારામાં પણ છે, અને તમારામાં પણ છે. કારણ રાજા થોડા જ યોગી છે ? આપણેયે થોડા જ યોગી છીએ ? એવા યોગીનો એક જ દાખલો તો જનક વિદેહીનો હતો. એક જ દાખલો, કારણ તેઓ પ્રાકૃત મનુષ્ય હોવા છતાં એવા યોગી થઈ ગયા. અને રામચંદ્રજી તો અવતારી પુરુષ કહેવાય. આ પૃથ્વીને ટીંબે જનક વિદેહી જેવો બીજો એકે પાકેલો નથી એમ ઇતિહાસ શીખવે છે. રાજા એટલે અમલદાર તો ખરો જ. અને અમલદાર થયો એટલે તેનું કાંઈક તો સહન કર્યે જ છૂટકો. આપણને પ્રજાસત્તાક રાજ મળે ત્યારે પણ કોઈક અમલદાર તો હશે જ જેનું કેટલુંક તો સહન કરવું પડશે. અરે, આ મારું જ તમને કેટલું સહન કરવું પડ્યું? મેં મારા અમલનો આંધળો ઉપયોગ નહિ કર્યો હોય ! એક શાસ્ત્રીએ મારી પાસે ભાષણ કરવાની રજા માગી, તેમને મેં ન બોલવા દીધા, એક મુનિની પણ બોલવાની ઇચ્છા હતી. તેમને મેં કહ્યું કે, તમને બોલવાની હરીફાઈમાં ન ઊતરવા દેવાય, તમે