આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : દીવડી
 

પડતું હશે તે મારા સરખો પિતા જ જાણી શકે ! ઘરમાં બાળકોને તો એમ જ લાગતું કે પિતા નહિ પણ એક રાક્ષસ છું, તેમનો પોષણહાર નહિ પણ તેમનો દુશ્મન છું. હું ઘણી વખત બૂમ મારતો કે બાળકો મારી સાથે ચા કેમ પીતા નથી, મારી સાથે જમતાં કેમ નથી, મારી સાથે વાતો કેમ કરતાં નથી, મારી પાસે આવી બેસતા કેમ નથી. સતત મારી સામે આવ્યા કરતી મારી પત્ની જવાબમાં એટલું જ કહેતી :

'હશે ! બાળકો છે. તેમનું મન હોય તે ભલે કરવા દો.'

'પણ તું જાણે છે, એથી એ બાળકોને કેટલો ગેરલાભ થાય છે તે ? સુરેન્દ્ર અરધો કલાક મારી પાસે બેસતો હોત તે જરૂર ફર્ટ કલાસમાં પાસ થાત, અને વીણા ગમે તેવી ચોપડીઓ વાંચી કવિતા લખતી થઈ ગઈ છે, તે સારી જગાએ પરણી જાત !' ગુસ્સે થઈ દલીલ કરતો.

પત્ની પહેલાં તો આવી દલીલના જવાબ આપતી; પણ છેલ્લે છેલ્લે એણે પણ જાણે મારી સાથે અબોલા લીધા હોય એમ એ અત્યંત થોડું જ બોલતી અને મારા ઘણાખરા પ્રશ્નોના જવાબ વાળતી જ નહિ. હું સહજ કહેવા જાઉં એટલે તે તરત રડતી અને નાસતાં-ફરતાં બાળકો મને જોતાં ત્યારે એક રોગ તરફ જોતાં હોય એમ ઘૃણા તેમની આંખમાં મને દેખાતી. હું આપધાત ન કરું તો બીજું શું કરું ? અગાશીમાંથી નીચે પડવું સહેલ હતું.

પરંતુ મારી પત્ની અત્યારે મને સુખ મેળવતાં રોકતી હતી. એક વખત મોતી સરખાં લાગતાં તેનાં આંસુ અંગારારૂપી બની ગયાં હતાં. મેં કહ્યું :

'તમને સ્ત્રીઓને ઠીક રડી રડીને દબડાવવાની કળા આવડી ગઈ છે ! શા માટે મારી પાછળ તું અગાશીમાં આવી ?'

'હું તો તમે જ્યાં જશો ત્યાં આવવા માટે સર્જાયલી છું.' રડતી પત્નીએ જવાબ આપ્યો.