આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : દીવડી
 

પણ કાયદો કહેતો નથી. છરો ઉછાળતા લખપતને કોઈ પકડી શક્યું નહિ, અને તે દિવસથી લખપત બહારવટે ચઢ્યો.

બહારવટે ચઢનારને આખું રાજ્યતંત્ર બહારવટિયાઓનું બનેલું લાગે છે. ન્યાયનો અતિવિલંબ, પુરાવાની આંટીઘૂંટી, કાયદાઓની ભુલભુલામણી, વકીલોના ચક્રવ્યુહ, સાચ અને જૂઠ વચ્ચે રમાતી સાતતાળી અને મોટામાં મોટા ન્યાયાધીશની પણ માનવસહજ શિથિલતા તેમ જ નિર્બળતા આખી ન્યાયપદ્ધતિને એક ઠઠ્ઠાચિત્ર જેવું બનાવી મૂકે છે. વળી ધનરહિત માનવીથી ન્યાય મેળવી શકાય એવી સગવડ જ હવે હિંદમાં રહી નથી અને આપણાં ન્યાયમંદિરો આશ્રય સ્થાન–આશ્વાસનથાનને બદલે પૈસાને જોરે ચાલતાં જુગારખાનાં બની રહ્યાં છે. આજની ન્યાયપદ્ધતિ આટલા ઓછા બહારવટિયાઓ કેમ ઉપજાવે છે એ જ નવાઈની વાત છે. સાચો, તેજસ્વી, પરદુ:ખભંજન માનવી બે જ માર્ગ જોઈ શકે છે. કાં તો વગરબોલ્યે અન્યાયને તાબે થવું અગર બહારવટે ચડવું. લખપત તો બહારવટે ચઢ્યો અને એણે એક લાખ નાક કાપવાની શંકર-સાન્નિધ્યમાં બાધા પણ રાખી.

લખપતના બહારવટાએ વિશાળ ભૂમિમાં ત્રાહિ કરાવી. આજ એ એક ગામ ભાંગે, તો બીજા દિવસે બીજું; એક અઠવાડિયે એક જિલ્લામાં લખપત હોય તો બીજે અઠવાડિયે બીજા જિલ્લામાં તેની બૂમ સંભળાય. પહેલાં કોઈ વાર કોઈ શેઠિયાની પેઢી લૂંટાય, તો કોઈ વાર જાગીરદારનો કોઠાર લૂંટાય; કદી સોનાચાંદીની દુકાનો લૂંટાય તો કદીક રસ્તે જતી સરકારી તિજોરી લૂંટાય; અને બધા ય કરતાં તેણે હાથ કરેલી નાકકટાઈની કળા પ્રજામાં ભયાનક રસને ઉત્પન્ન કરી રહી. એને સાથીદારો પણ ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા. બહારવટિયાઓમાં નાતજાતના કે ધર્મના ભેદ બહુ પળાતા હોય એમ દેખાતું નથી. એ રીતે બહારવટિયાને આગળ વધેલા સુધારકોની કક્ષામાં