આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : દીવડી
 

જમીનદારનું લખપતે નાક કાપ્યું એની બૂમ ઊઠે તો બીજે દિવસે સરકારે નાખેલા અવનવા વેરાની ઉઘરાત લૂંટાઈ એવી બૂમ પડે. મંદિરમાંથી સોનારૂપાનાં ઘરેણાં લૂંટાયાં ત્યારે પ્રજાની ધર્મવૃત્તિએ અરેરાટી અનુભવી; પરંતુ એ ઘરેણાં પાછાં એ મંદિરમાં અદૃશ્ય રીતે મુકાયાં ત્યારે લખપત પ્રત્યેના સદ્ભાવની કક્ષા ઘણી ઊંચે ચઢી ગઈ. પ્રધાન અને અમલદારોની કાર્યપ્રશંસા કરવા જેવો પ્રસંગ કદી આવ્યો છે કે કેમ તે તો તેમના કવિઓ જાણે; પણ લખપતની પ્રશંસાના દુહા તો ગામેગામ રચાવા લાગ્યા અને ગવાવા લાગ્યા.

ગુનેગારનાં ગુણગાન પ્રજાવર્ગ ભલે કરે; પણ રાજ્યવ્યવસ્થાથી તેનાં ગુણગાન કદી થઈ શકે નહિ. બહારવટિયાનાં ગુણગાન કરનાર નીકળી એક બ્રિટિશ સલ્તનત ! સામાવાળિયાના ગુણ પરખવાનું શિક્ષણ હિંદવાસીઓને તે જ્યારે મળે ત્યારે ખરું ! રાજ્યમાં હાહાકાર વધતાં લખપતની ટોળીને તોડવા કંઈક જૂના રાવસાહેબ, પુરાતન રાવબહાદુરો, વીસરાઈ જતા સાહેબ બહાદુરો અને વર્તમાન વીર વિક્રમોએ કમ્મર કસી અને લખપતનાં સગાંવહાલાં, ઓળખીતાં અને આશ્રય આપતાં મનાતાં અનેક કુટુંબો ઉપર ધાંસ નાખવામાં આવી. શિકારી પ્રાણી જેમ પોતાના શિકારસ્થાને ફરી ફરી આવે તેમ લૂંટારુ બહારવટિયા અમુક અમુક સંબંધીઓના સ્થાને જરૂર આવે એવી તપાસ કરનાર અમલદારોની જૂના વખતથી ચાલી આવતી સફળ માન્યતા છે. પોલીસે ચારે પાસ બાતમીદારો મૂક્યા અને જ્યાં જ્યાં હવામાં વાત આવે કે લખપત અમુક જગાએ છે ત્યાં ત્યાં પોલીસ ટૂકડીઓનો ધસારો થયેલો હોય જ.

માત્ર એટલું જ કે લખપત કાં તો તે જગાએ બિલકુલ આવ્યો જ ન હોય અગર આવીને હમણાં જ ચાલ્યો હોય એવા સમાચાર પોલીસને મળે ! એકાદ વર્ષમાં પકડાયો હોય એવો બહારવટિયો