આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : દીવડી
 

ગોળીએ.' એમ કહી અશ્વારોહી યુવતી સાથે છલંગ મારી લખપત અશ્વ ઉપર બેસી ગયો અને આંખ મીંચી ઉઘાડતામાં તે ડુંગરાઓ અને ટેકરાઓની પાછળ અદ્રશ્ય થઈ ગયો.

રણવીરે શસ્ત્ર તો નહોતું રાખ્યું પણ તેણે સહુને સાવચેત બનાવવાની સિસોટી તો જરૂર રાખી હતી. એ સિસોટી વડે તેણે આખા ડુંગરને જાગ્રત કરી નાખ્યો અને ઠેરઠેર બંદૂકોના અવાજ થવા લાગ્યા તથા ડુંગર નીચે મોટર ઘર્‍ર ઘર્‍ર થવા લાગી. ઝડપથી ઊતરતા રણવીરે શૂરા ભગતને પૂછ્યું :

'અમારી મોટરોની ઝડપ આગળ એની ઘોડી શું કરશે?'

'સાહેબ ! મોટરો તો મરેલી કહેવાય, એમાં જીવ નહિ. અને લખપતની ઘોડી તો જીવતી છે. એનું નામ તેજલ. તોપના ગોળાને પણ એ કૂદી જાય એમ છે.'

આખો ડુંગર જોતજોતામાં યુદ્ધનું મેદાન બની ગયો. ચારે પાસ ગોળીઓ છૂટવા માંડી. રણવીર અને શૂરો ભગત નીચે ઉતર્યા તે પહેલાં તો આખા ડુંગરનાં નાકાં ઘેરાઈ ગયાં હતાં. વિશાળ ટેકરાઓ ઉપર દોડતી ઘોડી કોઈ કોઈના જોવામાં આવતી પણ હતી. કયે સ્થળે અને ક્યાંથી લખપત કૂદી આવશે એની કોઈને ખબર ન હતી છતાં સહુ સાવધ હતા. નીચે આવી રણવીર પણ બંદૂક લઈ એક ઝાડને ઓથે શૂરા ભગતને સાથે લઈ ઊભો હતો. એકાએક મોટર કારમાંથી એક નાકા ઉપર તાકી રહેલી પોલીસની ટુકડીએ બંદૂકની ગોળીઓ છોડી; પરંતુ ગોળીઓને ન ગણકારતી તેજલ ઘોડી લખપત અને તેની સાથમાં જ બેઠેલી સ્ત્રીને લઈ એક ટેકરેથી કુદી તળેટીમાં આવી અને પુરપાટ દોડવા લાગી. રણવીરની બંદૂકમાંથી એક ગોળી છૂટી અને ગતિ વધારતી જતી તેજલ ઊછળીને જમીન ઉપર ઢળી પડી. પડતાં પડતાં તે પાછી ઊઠી અને પાસે જ આવેલા એક ટેકરાની બાજુમાં જઈ ફરી જમીન ઉપર ઢળી પડી. બન્ને પુરુષ-સ્ત્રી સવાર જોતજોતામાં નીચે ઊતરી પડ્યા. લખપતે મરતી