આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ : ૧૬૩
 

હનુમાનના મંદિરને બચાવવા ડાંગ લઈ મુસલમાનો પણ આગ સામે તૂટી પડયા હતા એ દ્રશ્ય હજી હું ભૂલી શક્યો નથી. કેટલાંક મકાનો આગમાં બળી ગયાં; કેટલાંક તોડી પાડવામાં આવ્યાં. બેભાન થયેલ એક મુસલમાન અને એક અંત્યજને પાસે આવેલા બ્રાહ્મણના ઘરમાં સુવાડી સારવાર કરવામાં આવી. એ તો સ્મરણીય દ્રશ્ય છે જ; પરંતુ સૌ કરતાં વધારે સ્મરણીય દૃશ્ય તો એ હતું કે આગ હોલવાઈ ત્યારે મંદિરની ધજા તણખાનો સ્પર્શ થયા વિના ફરકતી રહી અને હનુમાનના મંદિરને અગ્નિની જરા ય આંચ પણ લાગી નહિ ! આગ હોલાતાં સહુ આનંદમાં આવી ગયા અને આખી રાત પ્રયત્ન કરી થાકેલી મેદની 'બજરંગ બલીની જય !' પોકારી પોતાનો થાક વીસરી ગઈ. એમાં બાળકોનો જયધ્વનિ સૌથી વધારે ગર્જી રહ્યો, જેમાં અંત્યજો સામેલ હોય એમાં નવાઈ નહિ; પરંતુ મુસલમાનો, પણ સામેલ હતા.

પ્રભાત થતાં આગ હોલવાઈ અને વગર થાકેલા નગરશેઠે હસીને વાઘરીઓના સમૂહને કહ્યું :

‘અલ્યા ! આગ તો તમે બધાએ હોલવી; પણ કોઈનું કાંઈ ગયું તો નથી ને ?'

'અરે, બાપા ! અહીં તો હનુમાનની આણ ફરકે છે. એક ચીજ ગઈ હોય તો અમારાં કાંડાં કાપજો. બાકી બીજે તો હાથ સળવળ્યા વગર ન રહે !' વાઘરીના મુખીએ જવાબ આપ્યો અને આખું ટોળું હસી પડ્યું.

ઘેર જઈ, સ્નાન કરી શાસ્ત્રીજીએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. દેવસેવા કરી શેઠ પોતાની હવેલીને ઓટલે બેઠા અને આગમાં કોનાં ઘર બળી ગયાં, કોનો કેટલો માલ બગડી ગયો, નવાં મકાન બાંધવા કોને કેટલી રકમ જોઈએ, નિરાશ્ચિત બનેલા લોકોને અન્ન જોઈએ એનો હિસાબ કાઢતા ચાલ્યા અને કોથળામાંથી જેને તેને જોઈતી રકમો પહોંચાડવા મુનીમને હુકમો કરતા ચાલ્યા. બેભાન