આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ : ૧૭૩
 

'ગભરાઈશ નહિ. આપણે બેને ચાલે એટલા ક્યુબ્ઝ[૧] મેં સંતાડી રાખ્યા છે.' ચંદ્રિકાએ કહ્યું, અને રસિકનું પત્ની પ્રત્યેનું માન એકાએક વધી ગયું. પત્નીને આશ્ચર્યચક્તિ કરવા તત્પર થયેલો પતિ જાતે જ આશ્ચર્યચક્તિ બની ગયો.

પરંતુ હજી તેણે એક આશ્ચર્ય તો સિદ્ધ કરવાનું જ હતું, જે નોકરી મેળવ્યા વગર સિદ્ધ થાય એમ ન હતું. તે ભણી રહ્યો એ વાત ખરી; પરંતુ એટલેથી જીવી શકાય એમ ન હતું. ભણેલાંઓનો ખપ કરનાર પાસેથી તેને આજીવિકા મેળવવાની હતી. ગુજરાતી અંગ્રેજી વર્તમાનપત્રો તેણે જોવા માંડ્યા. બધાં જ પત્રો ખરીદવાની તેની તાકાત ન હતી. એટલે મિત્રોને ત્યાં જઈને પણ એણે જાહેરાતો જોવા માંડી. કોરિયાનું યુદ્ધ, રશિયાનો કાળો પડદો, કરોડો રૂપિયા વેરતી પછાત દેશના ઉદ્ધારની અમેરિકન યોજના, ઍટમ બૉમ્બના પ્રયોગો, રાષ્ટ્રપ્રમુખની ક્ષણેક્ષણે સામે આવતી છબીઓ, અને પ્રજાના દોષની સતત ગણતરી કરતા પ્રજાપતિ પ્રધાનોનાં ભાષણોના મહાધોધની રસિકને અત્યારે કાંઈ કિંમત ન હતી. એને તો 'જોઈએ છે,' 'જગા ખાલીની' જાહેરાતો જ મહત્ત્વની થઈ પડી હતી અને તે સારા પ્રમાણમાં તેને મળી આવી. દસબાર અરજીઓ તેણે પહેલે જ દિવસે કરી નાખી. આવતી કાલથી જ તેને નોકરીનું આમંત્રણ આવશે એવી ખાતરી સહ રાજી થતો તે યોજનાઓ ઘડવા લાગ્યો.

યોજના ઘડનાર સરખું કરુણપાત્ર પ્રાણી બીજું એકે નથી; પછી એ યોજના ઘડનાર રાષ્ટ્રીય મહાસમિતિ હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય કે નોકરી શોધતો ગ્રેજ્યુએટ હોય. કાગળ ઉપર અને વિચારસૃષ્ટિમાં સફળતા સિવાય બીજું કાંઈ ન ઓળખતી યોજના અણધાર્યા ખડક ઉપર અથડાઈ પડે છે. તેમાં એ હિંદમાં તો મહાન ઉદ્યોગપતિઓ સિવાય કોઈની યોજના સફળ થતી હોય એમ લાગતું નથી.


  1. ૧. ક્યુબ્ઝ= ખાંડનાં નાનાં ચોસલાં.